Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો કેટલાક સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહયાં છે : સાંસદ મનસુખભાઇ વસાવા

SOUના વહીવટીતંત્રએ પોલીસ બળથી નાનો મોટો ધંધો કરતા લોકોને રંજાળતા સાંસદ મનસુખભાઇ એ લખ્યો સી.એમ.ને પત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આદિવાસીઓના અનેક પ્રશ્નો બાબતે હંમેશા લડત કરતા આખાબોલા સાંસદ મનસુખભાઇ વસાવા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ધંધો કરતા નાના વેપારીઓને ન્યાય અપાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ઘટતું કરવા રજુઆત કરી છે.

સાંસદે લખેલા પત્રમાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં સ્ટેસ્યુ ઓફ યુનિટી નજીક લીંબડીબાર ફળીયાના ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન નાના મોટા ધંધા કરી રોજગારી મેળવે છે . તેવા લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ પોલીસ બળથી રંજાળવામાં આવ્યા છે,એક મહીના પહેલા આ વિસ્તારમાં શાકભાજી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતી બહેનો પથારાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્રએ રફેદફે કરી નાખ્યા હતા . જયારે જે.પી. કંપની દ્વ્રારા ડેમનું કામ ચાલતુ હતુ , ત્યારે ધંધા રોજગાર જોરમાં ચાલતા હતા,તેઓ ૨૫ વર્ષથી આ વિસ્તારમાં ધંધા રોજગાર કરતા હતા , તેમને આજે ખદેડી મુકવામાં આવ્યા છે .
એકબાજુ અમે તથા રાજય સરકાર , કેન્દ્ર સરકાર સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપવા માટે જાહેરમાં બાહેધરી આપી છે અને બીજી તરફ અમે બદનામ થઈએ , સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો કેટલાક સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહયાં છે , જેના કારણે સમગ્ર આદિવાસી આલમમાં સરકાર અને ભાજપ માટે નારાજગી ઉભી થઈ છે , સ્ટેચ્યુ ઓફ યુનિટીના સતા મંડળને કયાંક અવ્યવસ્થા ઉભી થતી હોય તો સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરી પ્રશ્નને ઉકેલવાના પ્રયત્ન કરવા જોઈએ,પરંતુ આ વિસ્તાર ના આદિવાસીઓને રજોડવામાં આવે તે ખરેખર યોગ્ય નથી , તો આપ આ વિસ્તારના ગરીબ આદિવાસી ઓના હિતમાં તથા ધંધા રોજગાર ચાલે તે માટે આપ યોગ્ય ધટતુ કરશોજી

(10:19 pm IST)