Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ડિંડોલીબ્રિજ ઉપર અક્સ્માતમાં પિતા-પુત્ર, ભત્રીજાનું કરૂણ મોત

બસે બાઇકને અડફેટે લેતાં પરિવાર પીંખાયો : એક બાળક હાલત ગંભીર : ગમખ્વાર અકસ્માતના પગલે સુરતમાં સનસનાટી : તમામ મૃતકોની ઓળખવિધિ કરાઈ

અમદાવાદ, તા. ૨૦ : સુરત શહેરમાં ફરી એકવાર સીટી બસે ત્રણ નિર્દોષ વ્યકિતઓનો ભોગ લીધો છે. સુરતના ડિંડોલી બ્રીજ પર સીટી બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા. જેને પગલે એક જ પરિવારના પિતા,પુત્ર અને ભત્રીજાના કરૂણ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તો, અકસ્માતના બનાવને લઇ સમગ્ર સુરતમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની યશવંતભાઈ પોનીકર એજન ખાતે પરિવાર સાથે રહેતા હતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે બાઈક પર દીકરા ભાવેશ, સાહિલ અને ભત્રીજા ભુપેન્દ્રને લઈને પાલિકાની સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા. દરમિયાન ડિંડોલી બ્રીજ પર પૂરપાટ જતી સીટી બસ(જીજે-૦૫-બીએક્સ-૩૪૯૨)ની અડફેટે ચડી ગયા હતા.

          જેમાં પિતા યશંવતભાઈ અને દીકરા ભાવેશ અને ભત્રીજા ભુપેન્દ્રના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે સીટી બસનો ચાલક બસ લઈને ભાગી ગયો હતો. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત સાહિલને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યુ છે. જો કે, વિવાદ વકરતાં પોલીસે સઘન તપાસ કરી અકસ્માત સર્જનાર સીટી બસના ડ્રાઈવરને બાદમાં ઝડપી લીધો હતો. જો કે, આ અકસ્માત અને તેમાં એક જ પરિવારના ત્રણ નિર્દોષ લોકો ભોગ બનતાં સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં આ જ ડિંડોલી બ્રીજ પર કારની અડફેટે પાંચ વ્યકિતઓનાં મોત થયા હતા. એ જ જગ્યા પર આજે અકસ્માત થયો અને ત્રણ મોતને ભેટ્યા છે. ડિંડોલી બ્રીજ પર થતા અકસ્માતના પગલે લોકોમાંઉગ્રઆક્રોશ ફાટી નીકળ્યો હતો.

આ અકસ્માતમાં મોતને ભેટનાર ભાવેશ અને ભુપેન્દ્ર ઈશ્વરપુર નવાગામ ખાતે આવેલા ૨૪૬ નંબરની પાલિકાની શાળામાં અભ્યાસ કરતા હતા, જેથી શાળાના વિદ્યાર્થીઓમાં પણ અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

(7:53 pm IST)