Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ખેડૂતોના રોષથી સરકાર ચોંકીઃ બીજા સહાય પેકેજની તૈયારી

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીને થયેલ નુકશાન માટે અગાઉ રૂ.૭૦૦ કરોડ જાહેર કરાયા છેઃ પાક વીમો પણ સારો અપાવવા પ્રયાસ : ભાજપની સેન્સ વખતે 'વાસ્તવિકતા' સામે આવીઃ વધારાની સહાય બાબતે સાંજે કેબીનેટ બેઠકમાં ચર્ચા

રાજકોટ તા.૨૦: રાજયમાં દિવાળી પૂર્વે અને પછી થયેલા કમોસમી વરસાદથી ડાંગર, કપાસ, મગફળી વગેરેના પાકને પુષ્કળ નુકસાન થયુ છે સરકારે ગયા અઠવાડિયે અસરગ્રસ્ત ખેડુતો માટે રૂ.૭૦૦ કરોડની સહાયનું પેકેજ જાહેર કરેલ. જંગી નુકશાન સામે સહાયનું પેકેજ નજીક હોવાનો અવાજ ઉઠતા સરકારે વધુ સહાય તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આજે સાંજે ગાંધીનગરમાં મળનારી કેબીનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરી નિર્ણય લેવાય તેવી શકયતા છે. સહાયનું બીજુ પેકેજ અને પાક વીમો બાબતે સારા વાવડ આવી રહ્યાના નિર્દેષ છે.

સરકારે ૭૦૦ કરોડના પેકેજમાં હેકટર દિઠ સહાયના ધોરણો જાહેર કર્યા છે. નુકશાનીના પ્રમાણમાં સહાય ઘણી ઓછી છે તેવી રજુઆત સરકાર સુધી પહોચેલ ભાજપ સંગઠનની સેન્સ પ્રક્રિયા વખતે પણ ઘણા સ્થાનો પર ખેડુતોના રોષનો મુદ્દો સામે આવેલ. સરકારે આ અંગે અમૂક પ્રધાનોને અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોપી હતી. સર્વે કરનારી ટીમોનો નુકશાનીનો આખરી અહેવાલ બાકી છે ખેડુતોની નારાજગી ભારે પડી શકે છે તેનો અંદાજ સરકારને આવી ગયો છે. તેથી સહાયની રકમ વધારવાની દિશામાં કદમ માંડયા છે. ખેડુતો માટે પાક વીમાનો પણ મોટો પ્રશ્ન છે. સરકાર ખેડુતો રાજી થઇ જાય તે રીતે પાક વીમો અપાવવા પ્રયત્નશીલ હોવાનું કહેવાય છે. ખેડુતોને કોઇપણ સ્વરૂપે વધુ ફાયદો મળે સંજોગો છે.

(11:41 am IST)