Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ખેડુતો ઓછા પાણીએ વધુ ખેતી કરી શકે તે માટે સુવિધાઃ પોર્ટલ આરંભ કરાવતા નીતિન પટેલ

સક્ષમ સિંચાઇ પધ્ધતિનો વ્યાપ વધારવા સરકાર કટીબધ્ધઃ નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગરમાં ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપનીના માધ્યમથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલ ખેડુતલક્ષી પોર્ટલ પ્રારંભ કરાવેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં કંપનીના એમ.ડી. શ્રીમતી શાહમીના હુસૈન ઉપસ્થિત છે.

રાજકોટ, તા. ૧૯ : રાજય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ સિંચાઇ ઉપલબ્ધ કરાવવા અત્યાર સુધીમાં કુલ રૂ.૬૦૯૦ કરોડની સબસીડી ચુકવાઇ રાજય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ પદ્ઘતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સદ્યન પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે  ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે  જી.જી.આર.સી. દ્વારા ખેડૂતો માટે તૈયાર કરાયેલ  http://khedut.ggrc.co.in પોર્ટલનું લોન્ચીંગ કરાયુ હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે પોર્ટલનું લોન્ચીંગ કરતા જણાવ્યુ હતુ કે, રાજયમાં ખેડૂતોને પર ડ્રોપ મોર ક્રોપ માટે ડ્રીપ ઇરીગેશન-સુક્ષ્મ સિંચાઇ પદ્ઘતિ દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી ખેડૂતો કરી શકે તે માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજયમાં જી.જી.આર.સી. દ્વારા રાજયના ૧૧ લાખથી વધુ ખેડૂતોને ૧૮.૫૦ લાખ જેટલા હેકટરમાં સુક્ષ્મ સિંચાઇ પદ્ઘતિ વસાવીને આ યોજનાનો લાભ પુરો પડાયો છે. ખેડૂતોને ખૂબ જ ઓછી કિંમતે ટપક સિંચાઇની સિસ્ટમ લગાડવા માટે રાજય સરકારે અત્યાર સુધીમાં કુલ રૂ. ૬૦૯૦ કરોડની માતબર રકમની સબસીડી પણ પુરી પાડો છે.

શ્રી પટેલે ઉમેર્યું કે, સુક્ષ્મ સિંચાઇ પદ્ઘતિનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કાર્યરત થયેલ આ પોર્ટલમાં અથવા મોબાઇલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ ઉપર પોતાની વિગતો, નામ, જિલ્લો, તાલુકો, ગામ ભરી પૂર્વ નોંધણી જાતે જ કરી શકશે. નોંધણી થયા બાદ જી.જી.આર.સી. દ્વારા સામેથી ખેડૂતોનો સંપર્ક કરી સુક્ષ્મ સિંચાઇ પદ્ઘતિ લગાડવા માટેની કામગીરી કરવામાં આવશે.

આ પ્રસંગે જી.જી.આર.સી.ના મેનેજીંગ ડીરેકટર શ્રી શાહમીના હુસૈન, જોઇન્ટ સી.ઇ.ઓ. શ્રી રેણુ ભટ્ટ, એગ્રો ડેવલપમેન્ટના ચીફ શ્રી પી.પી.દોંગા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(4:01 pm IST)