Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમદાવાદના સેટેલાઇટમાં ઇવનિંગ વોકમાં નીકળેલ બિલ્‍ડરની આર્કિટેક્‍ટ પુત્રીને પાછળ ટપલી મારીને છેડતી કરીને અજાણ્‍યો શખ્‍સ નાસી છૂટયો

અમદાવાદ: પંજાબના પૂર્વ ડીજીપી કે.પી.એસ.ગિલએ એક પાર્ટીમાં મહિલા આઈએએસને પાછળના ભાગે ટપલી મારી છેડતી કર્યાની ઘટના બની હતી. પંજાબને ખાલીસ્તાન આતંકવાદીઓથી મુક્ત કરાવનાર પૂર્વ પોલીસ વડા ગિલની આ પ્રકારના કૃત્ય બાદ ચોમેરથી ટિકા થઈ હતી. આવી જ ઘટના સેટેલાઈટના જોધપુર ગામમાં આવેલા બંધન પાર્ટી પ્લોટ નજીક બિલ્ડરની આર્કિટેક્ટ પુત્રી સાથે બની છે. ઈવનિંગ વોકમાં નીકળેલી લેડી આર્કિટેક્ટ બંધન પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતી હતી. તે સમયે આવેલા એક્ટિવા ચાલક યુવતીને પાછળથી ટપલી  મારી ચિચિયારી પાડતો ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં બિલ્ડરની 22 વર્ષીય પુત્રી સુહાના (નામ બદલ્યું છે). તેને આર્કિટેકટ સુધીનો અભ્યાસ કર્યો છે. રવિવારે સાંજે સુહાના તેના ઘરેથી વોક કરવા માટે નીકળી હતી. તે ચાલતી ચાલતી જ્યારે જોધપુર ગામમાં આવેલા બંધન પાર્ટી પ્લોટ પાસે પહોંચી હતી. તે સમયે અચાનક સુહાનાને પાછળથી એક્ટિવા ચાલક યુવકે ટપલી મારી હતી. સુહાના કઈ સમજે તે પહેલા કીકીયારી કરતો યુવક એક્ટિવા લઈ પુરઝડપે ફરાર થઈ ગયો હતો. સુહાનાએ પણ આરોપીને પકડવા માટે બૂમો પાડી પણ કોઈ મદદ મળી ન હતી.

આ ઘટનાથી હેબતાઈ ગયેલી સુહાનાએ ઘરે જઈ પરિવારના સભ્યોને વાત કરી હતી. પરિવારનાં સભ્યોએ આ બનાવ અંગે પોલીસને જાણ કરવાનો નિર્ણય લીધો હતો. આનંદનગર પોલીસે સુહાના સાથે બનેલી ઘટના અંગે એક્ટિવા પાર આવેલા અજાણ્યાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસે આ બનાવ બન્યો તે સ્થળ અને તેની આસપાસના રૂટના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે કસરત શરૂ કરી છે. પોલીસે આ વિસ્તારના ઘણા ફૂટેજ ચેક કર્યા પણ હજુ સુધી આરોપીને ઓળખી શકાય તેવી કોઈ કડી મળી નથી. પોલીસની તપાસ હજુ ચાલી રહી છે.

શહેરમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે છેડતીની ઘટનાઓ સતત વધી રહી છે. બે દિવસ અગાઉ પણ કાલુપુરમાં એક યુવતીનો પીછો કરતા શખ્સે એસિડ એટેકની ધમકી આપી હતી. આ અગાઉ વેજલપુરમાં નશામાં ધૂત શખ્સે સોસાયટીની મહિલાની કોમેન્ટ પાસ કરી છેડતી કરી હતી. સોલા વિસ્તારમાં યુવતીનો વીડિયો ઉતારતા શખ્સની લોકોએ ધોલાઈ કરી હતી. આ ઉપરાંત ચાંદખેડામાં પણ મહિલાઓએ મોબાઈલમાં વીડિયો બનાવતા શખ્સને ફટકારી પોલીસ હવાલે કર્યો હતો.

(4:38 pm IST)