Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટાપાયે ભ્રષ્‍ટાચારઃ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્‍તવનો આક્ષેપ

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)માં વિપક્ષના નેતા ચંદ્રકાત શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ભ્રષ્ટાચારનું નિવાસ બની છે. પીએમ આવાસ યોજનામાં મોટાપાયા પર ભ્રષ્ટાચાર થયો છે. આ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

મળતિયાઓએ અને અધિકારીઓએ ભેગા થઈને મોટાપાયા પર ખાયકી કરી છે. તેના લીધે આ યોજનામાં જે બાંધકામ થવું જોઈએ તે પ્રકારની ગુણવત્તાવાળું થયું નથી. મુખ્યમંત્રીએ તાત્કાલિક ધોરણે તેમા રસ લઈને તપાસ કરાવવી જોઈએ અને જરૂર પડે તો વડાપ્રધાને પોતે પણ આ મામલે દિશાનિર્દેશ આપવા જોઈએ એમ તેમણે કહ્યું હતું.

વિપક્ષ કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું હતું કે વડાપ્રધાન પારદર્શક વહીવટની વાતો કરે છે, પરંતુ તેમના જ પક્ષનું શાસન ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. વડોદરા ખાતે પીએમ આવાસ યોજના તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેના દરેકે-દરેક કોન્ટ્રાક્ટની ફાળવણીથી લઈને મકાનોની ફાળવણી સુધીમાં ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. તેમા વ્હાલાદવલાની નીતિ અપનાવવામાં આવી છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવને આ આક્ષેપના પગલે વડોદરાના સ્થાનિક રાજકારણમાં ગરમી આવી ગઈ છે. તેમા પણ વડોદરાની જ નજીકના મતવિસ્તાર કરજણમાં પેટાચૂંટણી યોજાવવાની હોઈ આ મામલો વધુ વેગ પકડે તેમ માનવામાં આવે છે.

(4:32 pm IST)