Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

બોરસદની સીમમાં ખેતરને લઈને નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા: સાતને ગંભીર ઇજા

બોરસદ:તાલુકાના કઠાણા ગામની ખુમાનપુરા સીમમાં આવેલા ડાંગરના ખેતરમાં પાણી વાળવા બાબતે બે પરિવારો વચ્ચે તકરાર થતાં સાતને ઈજાઓ થવા પામી હતી. આ અંગે વીરસદ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર વિપુલભાઈ પ્રવિણભાઈ પરમારનો ભાઈ વિશાલ નજીકમાં આવેલા પોતાના ડાંગરના ખેતરમાં નહેરમાંથી અપાતું પાણી વાળતો હોય અમરસિંહ પ્રભાતભાઈ પરમાર ત્યાં આવી ચઢ્યા હતા અને ઢાળીયો તોડી નાખીને પોતાના ખેતરમાં પાણી વાળી લીઘું હતુ જેથી વિશાલ કહેવા જતાં તેને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી વિપુલભાઈ ત્યાં જતાં તેમને પણ અમરસિંહે પાવડાનો દસ્તો મારી દીધો હતો. વિપુલની માતા સજનબેન તથા બહેન પ્રીતીબેન વચ્ચે પડતાં તેમને પણ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે અમરસિંહ, લાલજીભાઈ, નરેશભાઈ તથા શૈલેષભાઈ વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

સામા પક્ષે લાલજીભાઈએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ખેતરમાં અપાતા નહેરનું પાણી લઈ રહ્યા હતા ત્યારે વિપુલભાઈ, સજનબેન તથા પ્રવિણભાઈએ ઢાળીયો તોડી પાડીને ગમે તેવી ગાળો બોલી વિપુલભાઈએ લાકડીથી બરડાના તથા કમરના ભાગે માર માર્યો હતો. પ્રવિણભાઈએ અમરસિંહને છાતીમાં લાત મારી દીધી હતી.

(5:44 pm IST)