Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

શહેરમાં બપોર બાદ ફરીથી વરસાદ વરસતાં ઠંડક પ્રસરી

૨૨ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી : શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ, ધૂળની ડમરીઓ ઉડી : વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી

અમદાવાદ, તા.૨૦ : અમદાવાદ શહેરમાં સવારથી ગરમીના બફારા વચ્ચે બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં હવા અને ધૂળની ડમરીઓ ઉડી હતી અને આજે ફરી બપોર પછી ઝરમર વરસાદ અને હળવા ઝાપટાં વરસ્યા હતા. શહેરના મણિનગર, વટવા, વેજલપુર, જીવરાજપાર્ક, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા રાજયના કેટલાક પંથકોમાં આગામી તા.૨૨ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી આમ તો, ઉઘાડ નીકળ્યો હતો પરંતુ બપોર બાદ અચાનક શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

                 સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના પંથકોમાં વરસેલા ધોધમાર અને ભારે વરસાદ બાદ જાણે અમદાવાદમાં પણ બપોર બાદ હવામાન પલટાયુ હતુ. શહેરભરમાં વાદળછાયુ વાતાવરણ છવાયા બાદ થોડી જ વારમાં ઠંડો પવન ફુંકાવાની સાથે અને ધૂળની ડમરીઓ ઉડવાની વચ્ચે ઝરમર ઝરમર તેમ જ હળવા વરસાદના ઝાપટાં વિવિધ વિસ્તારોમાં શરૂ થઇ ગયા હતા. જેમાં શહેરના મણિનગર, વટવા, વેજલપુર, જીવરાજપાર્ક, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, નવરંગપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરતાં શહેરીજનોએ ગરમી, બાફ અને ઉકળાટના વાતાવરણ વચ્ચે ઠંડકનો અનુભવ કર્યો હતો. શહેરમાં વરસેલા વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બપોર બાદના વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં રસ્તાઓ ભીના થઇ ગયા હતા અને વાતાવરણ જાણે કે, આહ્લાદક બની ગયુ હતુ.

(8:41 pm IST)