Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ગુજરાતમાં ૭૮ તાલુકાઓમાં ૩ ઇંચ સુધીનો વરસાદ

ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૪૩ ફુટે પહોંચી * ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સર્તક

વાપી, તા. ર૦ : હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં રાજયના ર૧ જીલ્લાના ૭૮ તાલુકાઓમાં ઝરમરથી ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

જોકે જળાશયોની જળસપાટીમાં મોટે ભાગે સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૪૩ ફૂટે પહોંચી છે.

હથનુર ડેમમાંથી છોડાયેલા પાણીને પગલે ડેમમાં ૧,૧૦,પ૯૯ કયુસેક પાણીના ઇન્ફલો સામે ડેમમાંથી ૭પ,૬૭૬ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. આ સ્થિતિમાં કોઝવેની જળસપાટી ૭.૩૦ મીટરે પહોંચી છે.

ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડા જોઇએ તો... દ.ગુજરાત પંથકમાં ૧ મી.મી.થી લઇ ૭૩ મી.મી. સુધીનો ભારે વરસાદ નોંધાયેલ છે. તો ઉ.ગુજરાત પંથકમાં મોટાભાગના તાલુકાઓ કોરાધાકડ રહેવા પામ્યા છે. એકાદ-બે તાલુકામાં ૦ાા થી ૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ લખાઇ રહ્યું છે, ભારે એટલે કે સવારે ૧૦ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે મેઘામહેર ચાલુ છે.

(3:28 pm IST)