Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

નવરાત્રિમાં ગરબા સ્થળોએ મહિલા પંચની નજર રહેશે

મહિલા પોલીસની એન્ટી રોમિયો સ્કવોડ સક્રિયઃ કોઈ ફરિયાદ હોય તો પીડિતા મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફરિયાદ કરી શકશે : મહિલા આયોગ દ્વારા જાહેરાત

અમદાવાદ, તા.૨૦: ગુજરાતભરમાં આવતા મહિને નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગરબા રમતી મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓને કોઈપણ રીતે હેરાન, પરેશાન કે છેડતી કરવાનો બનાવ ન બને તે માટે રાજ્યનું મહિલા આયોગ પણ આ વખતે હરકતમાં આવ્યું છે. જેમાં મહિલા આયોગ રાજ્યભરમાં કરવામાં આવેલા ગરબાના આયોજન સ્થળો પર બાજ નજર રાખશે. નવરાત્રિ કે ગરબા દરમ્યાન કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો પીડિતા મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફરિયાદ કરી શકશે તેવી સ્પષ્ટ તાકીદ પણ મહિલા આયોગ દ્વારા કરવામાં આવી છે. બીજીબાજુ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રિ દરમ્યાન યુવતીઓ ્અને મહિલાઓની સુરક્ષા અને સલામતી તેમજ લુખ્ખા તત્વો દ્વારા થતી પજવણી અને છેડતી રોકવા માટે દર વર્ષે એન્ટી રોમિયો સ્કવોડ સહિતની સુરક્ષા ટીમોની રચના કરાતી હોય છે. જેના અનુસંધાનમાં હાલ પોલીસ તંત્ર દ્વારા પુખ્ત અને સક્રિય વિચારણા ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં કલબો, પાર્ટી-પ્લોટો સહિતના સ્થળોએ એન્ટી રોમિયો સ્કવોડ અને મહિલા પોલીસની વિવિધ ટીમો સાદા ડ્રેસમાં પણ સુરક્ષામાં તૈનાત રહેશે. જો કોઇપણ લુખા તત્વો કે રોમિયો યુવતીઓ કે મહિલાઓની છેડતી કે પજવણી અથવા ચેનચાળા કરતાં પણ પકડાશે તો તેઓને જેલભેગા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. શહેર પોલીસની સાથે હવે આ વર્ષે ગુજરાત રાજય મહિલા આયોગ પણ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અને સલામતીને લઇ ભારે ચિંતિત હોઇ આગળ આવ્યું છે. મહિલા આયોગ તરફથી અમદાવાદ સહિત રાજયભરમાં ગરબાના આયોજન સ્થળોએ ચાંપતી નજર રાખવામાં આવશે અને તેનો સમગ્ર રિપોર્ટ મેળવવામાં આવશે. મહિલા આયોગ દ્વારા ગરબા આયોજકો, કલબો અને પાર્ટીપ્લોટોના સંચાલકો સહિતના સંબંધિત તમામ લોકોને અત્યારથી જ રાસ-ગરબા અને નવરાત્રિ કાર્યક્રમો દરમ્યાન યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇ કડક ચેતવણી આપી દેવામાં આવી છે. મહિલા આયોગ તરફથી એવી પણ જાહેર તાકીદ કરાઇ છે કે, જો નવરાત્રિ કે ગરબા દરમ્યાન કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો પીડિતા મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફરિયાદ કરી શકશે.

 

(11:04 pm IST)