Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

લાં…બા વિરામ બાદ શરૂ થનાર ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસની સુવિધામાં વધારોઃ પેસેન્‍જરોની સાથોસાથ ટ્રકો-કારની પણ હેરાફેરી થઇ શકશે

અમદાવાદ: ગયા વર્ષે પીએમ મોદીએ શરુ કરાવેલી દહેજ-ઘોઘા રોરો ફેરી સર્વિસ લાંબા બ્રેક બાદ નવા શિપ સાથે ફરી શરુ થઈ રહી છે. ટ્રાયલ રન પૂરો થયા બાદ ચોમાસાની સત્તાવાર પૂર્ણાહુતી બાદ રોરો ફેરી સર્વિસ ફરી શરુ થશે તેમ ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને સીઈઓ મુકેશ કુમારે જણાવ્યું છે.

જે વેસેલ હવે રોરો ફેરી સર્વિસમાં ઉપયોગમાં લેવાશે તે 107.84 મીટર લાંબુ, અને 20 મીટર પહોળું છે. તેમાં એક સાથે 500 પેસેન્જરો બેસીને મુસાફરી કરી શકે છે. એટલું જ નહીં, આ વેસેલમાં 65 ટ્રકો, 40 જેટલી કાર અને અન્ય લગેજ આવી શકે તેવી વ્યવસ્થા છે.

6543 ટન વજન ધરાવતું આ વેલેસ સાઉથ કોરિયાથી મગાવવામાં આવ્યું છે. 2015માં બનેલું આ વેલેસ ત્રણ માળનું છે. તેમાં 72 વીઆઈપી જ્યારે 96 જેટલી ઈકોનોમી બેઠકો હશે. સાથે તેમાં 6 જેટલા ટીવી સેટ પણ લગાવવામાં આવ્યા છે. આ વેલેસનું નામ વોયેજ સિમ્ફની છે.

રોરો ફેરી સર્વિસને સંપૂર્ણપણે કાર્યરત કરવા માટે મોટું જહાજ લાવવું જરુરી હતું. જોકે, તેના માટે દહેજ અને ઘોઘા એમ બંને જગ્યાએ જરુરી માળખું ઉભું કરવાનું બાકી હતું. અત્યાર સુધી ઘોઘામાં શીપ સુધી પહોંચવા થોડું ચાલવું પડતું હતું, જોકે હવે કાર લઈને જ સીધું તેની અંદર પ્રવેશી શકાશે.

મહત્વનું છે કે, ગયા વર્ષે પીએમે રોરો ફેરી સર્વિસનો પ્રારંભ કરાવ્યો તે વખતે તેમાં માત્ર પેસેન્જરો જ સવાર થઈ શકતા હતા. આમ તો રોરો ફેરીમાં પેસેન્જરોની સાથે વાહનો પણ જઈ શકે તેવી વ્યવસ્થા હોય છે, પરંતુ તે વખતે જરુરી માળખું તૈયાર ન હોવાથી કામચલાઉ ફેરીથી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું હતું.

(5:14 pm IST)