Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મેઘમહેર છતાં રાજ્યમાં ૧૪ જિલ્લાઓમાં ૩૦ ટકા ઘટ છે

અમદાવાદમાં હજુ માત્ર આઠ ઇંચ વરસાદ નોંધાયોઃ પાટણમાં સૌથી વધુ ૬૦ ટકા વરસાદની ઘટ રહી : કચ્છ-ભુજમાં ૫૭ ટકા વરસાદની ઘટ : આંકડાઓ જારી કરાયા

અમદાવાદ, તા.૨૦:  સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરથી હવે વરસાદની કોઈ ઘટ નથી રહી. પરંતું અમદાવાદ સહિત ૧૪ જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ૩૦ ટકાથી પણ વધુની ઘટ જોવા મળી છે. જેમાં પાટણમાં સૌથી વધુ ૬૦ ટકા જ્યારે કચ્છ-ભૂજમાં ૫૭ ટકા વરસાદની ઘટ પડી છે. તો, અમદાવાદમાં ૫૧ ટકા વરસાદની ઘટ નોંધાઇ છે. જયાં અમદાવાદમાં દર વર્ષે ૨૮ ઇંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે, તેની સામે શહેરમાં આ વર્ષે હજુ માંડ આઠથી નવ ઇંચ વરસાદ જ નોંધાતા વરસાદની ભારે ઘટ પડી છે. ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં ચોમાસામાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. પાટણ જિલ્લામાં હજુ સુધી સરેરાશ પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૩૦ વર્ષની સરખામણીમાં પાટણમાં ૬૦ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે કચ્છ-ભૂજમાં ચોમાસું હવે બેસ્યું હોય તેવું માહોલ તો સર્જાયો અને સરેરાશ ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે પરંતુ તેમછતાં છેલ્લા ૩૦ વર્ષની સરખામણીમાં કચ્છ-ભૂજમાં ૫૭ ટકાની ઘટ પડી છે. છેલ્લા ૩૦ વર્ષોથી અમદાવાદમાં ૨૮ ઈંચ જેટલો વરસાદ પડતો હોય છે પણ આ વર્ષે અમદાવાદમાં માત્ર ૮ ઈંચ વરસાદ પડ્યો છે. આ સરખામણીમાં અમદાવાદમાં હજુ સુધી ત્રીજા ભાગ જેટલો જ વરસાદ વરસ્યો છે. આમ અમદાવાદમાં ચોમાસાના સરેરાશ ૮ ઈંચ જેટલા વરસાદ સાથે ૫૧ ટકાની ઘટ પડી છે. એકબાજુ, રાજયના દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક જિલ્લાઓ એવા છે કે, જયાં જરૂરિયાત પૂરતો અથવા તો તેનાથી વધુ વરસાદ નોંધાયો છે પરંતુ રાજયના ૧૪ જિલ્લાઓ એવા છે કે, જયાં હજુ પણ વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે, ત્યારે આ જિલ્લાઓના પ્રજાજનો ખાસ કરીને ખેડૂતો પૂરતા વરસાદની રાહ જોઇને બેઠા છે.

(10:00 pm IST)