Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પત્નીના મૃત્યુના ન્યાય માટે RTIથી લડત : ડોકટર સામે FIR

સિઝેરીયન પ્રસૂતિમાં મહિલાના મૃત્યુ અંગે ઘાટલોડિયાના ડો. રાજન પટેલ સામે એક વર્ષે ફરિયાદ

અમદાવાદ તા. ૨૦ : પત્નીના મૃત્યુના ન્યાય માટે ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે કાર્યરત યુવકે RTIનો સહારો લીધો. એક વર્ષ સુધી લડત આપ્યા બાદ આખરે સિઝેરિયન પ્રસુતિ દરમિયાન ઘાટલોડિયાના શ્રદ્ઘા મેટરનિટી હોમમાં ડો. રાજન વી. પટેલની બેદરકારીથી પ્રસુતા ક્રિષ્નાબહેન દેસાઈનું મૃત્યુ નિપજયાની જ્ત્ય્ સોલા પોલીસે નોંધી છે. વી.એસ. RMOએ ત્રણ ડોકટરની મેડિકલ બોર્ડ (પેનલ)નો રિપોર્ટ આપ્યો તેના આધારે એક વર્ષે કાર્યવાહી થઈ છે.

ઘાટલોડિયામાં જનતાનગર ક્રોસિંગ પાસે રહેતા વિષ્ણુભાઈ દેસાઈના પત્ની ક્રિષ્નાબહેન ગર્ભવતી હતાં. છ મહીનાના ગર્ભ પછી બ્લિડીંગની તકલીફ હતી અને ઘાટલોડિયાની શ્રદ્ઘા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. તા. ૧-૯-૨૦૧૭ના શ્રદ્ઘા મેટરનિટી હોસ્પિટલના ડો. રાજન વી. પટેલે ક્રિષ્નાબહેનને 'સિઝેરીયન' ઓપરેશન કરી બાળકને લઈ લેવાની વાત કરી હતી. વિષ્ણુભાઈએ લોહીની જરૂરિયાત છે? તેવું પૂછતાં ડોકટરે ના પાડી હતી. પણ, ચાલુ ઓપરેશને બે બોટલ લોહી મગાવ્યું હતું. બપોરે ૧થી સાંજે સાડા પાંચ સુધી ક્રિષ્નાબહેનને ઓપરેશન થિએટરમાં રાખ્યા પછી બહાર લવાયા હતા. ડાબો પગ હલનચલન કરતો ન હોવાની ક્રિશ્નાબહેનની ફરિયાદ ઉપર ખાસ ધ્યાન ન અપાતાં તબિયત લથડી હતી. ડો. રાજન પટેલે પાટણમાં ડોકટર એવા તેમના પિતા વસંતભાઈ પટેલના ઓળખીતા હોવાનું કહી ક્રિષ્નાબહેનને વી.એસ.માં જ લઈ જવા દબાણ કર્યું હતું. વી.એસ.માં સારવાર દરમિયાન ક્રિષ્નાબહેનનું મૃત્યુ થયું હતું..

ડોકટર રાજન વી. પટેલની બેદરકારી અંગેનો સ્પષ્ટ અભિપ્રાય મેળવવા વિષ્ણુભાઈએ RTIથી અને રૂબરૂ રજૂઆતો કર્યા બાદ એક વર્ષે ફરિયાદ નોંધાઈ છે. સોલાના PSI બી.એમ. પરમાર વધુ તપાસ કરી રહ્યાં છે.(૨૧.૧૧)

'નોકરી છોડીને લડત આપી, હવે ન્યાય મળે એવી આશા'

'પત્નીનું અવસાન થયું ત્યારે પુત્ર નવ વર્ષનો હતો. પુત્રીનો જન્મ થયો પણ તેની માતા ડોકટરની બેદરકારીથી મૃત્યુ પામી. સ્વજનોએ સહકાર આપ્યો એટલે લડત આપવાની હિમ્મત થઈ. નોકરી છોડીને ડોકટરની બેદરકારીનું 'સત્ય' બહાર લાવવા દોડધામ શરૂ કરી. ભલામણો આવી અને પ્રલોભન પણ આવ્યાં. પણ, પત્નીને મૃત્યુ બાદ ન્યાય મળે અને ફરી કોઈ સાથે આવી ઘટના બને તે માટે પો. સ્ટેશન, વી.એસ. હોસ્પિટલની રઝળપાટ કરી. છેવટે, ફરિયાદ નોંધાઈ છે ને હવે ન્યાય મળે એવી આશા છે. સત્યનો વિજય થાય છે એ જ લાગણી છે.'

- વિષ્ણુભાઈ દેસાઈ (ફરિયાદી)

(11:39 am IST)