Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

૨૫મીથી વિવિધ મુદ્દે કોંગ્રેસ કરશે જનઆંદોલન

રફાલ કૌભાંડ, બેંક કૌભાંડો, મોંઘવારી, બેરોજગારી મુદ્દે લોકસભા ચૂંટણી પહેલા ખાંડા ખખડાવાયા : કોર કમિટિની રચના : જયપાલ રેડ્ડી, અર્જુન મોઢવાડિયા : શકિતસિંહ ગોહિલ સહિત છ નેતાઓનો સમાવેશ

નવી દિલ્હી તા. ૨૦ : મોદી સરકાર દ્વારા રફાલ એરક્રાફટ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. રફાલમાં શું ગેરરીતી થઇ છે તેની જાણકારી સમગ્ર દેશને આપવામાં આવશે અને આ માટે અમે ૨૫મી ઓગસ્ટથી રસ્તા પર ઉતરીશું તેવી જાહેરાત કોંગ્રેસે કરી હતી.

કોંગ્રેસે જણાવ્યું હતું કે રફાલ મુદ્દે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાનીમાં શનિવારે એક બેઠક યોજાઇ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. માત્ર રફાલ જ નહીં નિરવ મોદી અને મેહુલ ચોકસી જેવાના બેંક કૌભાંડો, મોંઘવારી, બેરોજગારી વગેરે મુદ્દે જન આંદોલન શરૂ કરવામાં આવશે.ઙ્ગ

આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ રસ્તા પર ઉતરવાનું આયોજન કરી રહી છે. આ આંદોલનને કોંગ્રેસે જન આંદોલન નામ આપ્યું છે. કોંગ્રેસે આ માટે એક કોર ટીમ બનાવી છે જેમાં કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓ અને છ પ્રવકતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ નેતાઓ અને પ્રવકતાઓમાં એસ જયપાલ રેડ્ડી, અર્જુન મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલ, પવન ખેરા, પ્રિયંકા ચતુર્વેદી અને જયવીર શેર્ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ છ નેતાઓની પસંદગી જન આંદોલન કેમ્પેઇનને ચલાવવા માટે કરવામાં આવી છે.

બેઠક બાદ કોંગ્રેસના ચીફ પ્રવકતા રણદિપસિંહ સુરજેવાલે જણાવ્યું હતું કે ૨૫મી ઓગસ્ટથી ૩૦ દિવસ સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ ગામડા, તાલુકા, જિલ્લા, રાજય સ્તરે ધરણા પ્રદર્શન યોજશે. રફાલ તેમજ બેંક કૌભાંડ મુદ્દે લોકો સમક્ષ પોતાની વાત રાખશે. આ રફાલ કૌભાંડ શું છે તેની જાણકારી જનતાને આપવામાં આવશે.ઙ્ગ

આ જન આંદોલન દ્વારા અમે રફાલ સહીતના કૌભાંડોની સ્વતંત્ર તપાસ થાય તેવી માગ કરીશું. સુરજેવાલે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે આ કૌભાંડની તપાસ સંયુકત સંસદીય સમીતીને સોપવામાં આવે. અને અમારી વાત જયાંસુધી સરકાર નહીં માને ત્યાંસુધી આ આંદોલન જારી રાખવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે ૨૦૧૫માં ફ્રાન્સ સાથે કરાર કરી રફાલ વિમાન ખરીદવાનું નક્કી કર્યું હતું.

ઙ્ગજોકે આ રફાલ વિમાન કેટલા રૂપિયામાં ખરીદાઇ રહ્યા છે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ રફાલ વિમાનને અગાઉની યુપીએ સરકારમાં ૫૦૦ કરોડમાં ખરીદવાનું હતું જયારે મોદી સરકાર આ જ વિમાનને ૧૬૦૦ કરોડમાં ખરીદી રહી છે. પોતાના માનિતા ઉધ્યાગપતિને ફાયદો પહોંચાડવા માટે આમ કરી રહી છે. કૌભાંડ જાહેર ન થાય માટે રફાલ વિમાનના ભાવ પણ કેન્દ્ર સરકાર જાહેર નથી કરી રહી.ઙ્ગ(૨૧.૧૩)

(11:38 am IST)