Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

બનાસકાંઠામાં વધુ 32 જવાનો કોરોના સંક્રમિત કુલ સંખ્યા 52એ પહોંચી: હજુ વધવાની શક્યતા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

બનાસકાંઠા: રાજ્યમાં કોરોનાના કેસ સતત ઓછા નોંધાઇ રહ્યાં છે ત્યારે સોમવારે બનાસકાંઠાની સુઈગામ બોર્ડર પર નાગાલેન્ડથી આવેલ બી.એસ.એફ.ની ટીમની આરોગ્ય ચકાસણી દરમ્યાન 20 જવાનોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી હતી. હવે આજે બનાસકાંઠામાં BSF જવાનોમાં કોરોના સંક્રમણ વધતા આજે વધુ 32 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ અત્યાર સુધી BSFના 52 જવાન કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

 ગત 3 જુલાઈના રોજ નાગાલેન્ડથી એક બટાલિયન આવી હતી. આ સંક્રમિત જવાનોને થરાદની સ્કૂલમાં ક્વોરન્ટાઈન કરાયા છે. જોકે, કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

આ અંગે બનાસકાંઠાનાં તંત્રએ જણાવ્યું કે, 'નાગાલેન્ડથી આવેલા બી.એસ.એફ. જવાનોની ટીમની પ્રાથમિક તપાસમાં શંકા જણાતા કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમાં પોઝિટિવ આવતાં ટીમને કોરોન્ટાઈન કરવામાં આવી છે અને બાકીના સૈનિકના રિપોર્ટ આવવાના બાકી છે. જેમાં કેસ વધવાની સંભાવના છે. સૈનિકોને કોરોનાના કોઈ લક્ષણ જણાતા ન હતા. પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.'

(1:24 pm IST)