Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

પીપલોદ ખાતે વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કરેલી આત્મહત્યા

ફિઝિયોથેરાપી કોલેજની વિદ્યાર્થિની હતી : આત્મહત્યા કરનાર ત્રીજા વર્ષના પાંચમાં સેમેસ્ટરમાં હતી

અમદાવાદ, તા.૨૦ :  સુરત પીપલોદ વિસ્તારમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં વિદ્યાર્થિનીએ સુસાઇડ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થિનીએ હોસ્ટેલની રૂમમાં જ સુસાઈડ કરી લેતા તેના પરિવારમાં પણ શોકનો માતમ પથરાયો હતો. વિદ્યાર્થિનીના મૃતદેહને સુરત સિવિલમાં પીએમ માટે ખસેડાયો હતો. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના કામરેજની વ્રજવાટીકામાં રહેતી રહેતી ડિમ્પલ નરેશભાઈ કલેશ(ઉ.વ. ૧૯) નામની વિદ્યાર્થિની પીપલોદમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં ત્રીજા વર્ષના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ રાત્રિના સમયે રહસ્યમય સંજોગોમાં પોતાની રૂમમાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. દીકરીના મોતથી પરિવાર પણ હતપ્રભ થઈ ગયું હતુ. જો કે હજુ સુધી તેના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. હાલ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. પોલીસે હવે વિદ્યાર્થીનીએ કયા કારણસર અને કયા સંજોગોમાં શા માટે આત્મહત્યા કરી તેનું કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(9:09 pm IST)