Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

મોતની ફરિયાદ કરવા ગયેલ યુવક પાસે લાંચની માંગ થઈ

પોલીસે મોતનો મલાજો પણ ના જાળવ્યો : ૧૦ હજાર આપશો તો ફરિયાદ દાખલ કરીશ તેવી માંગણી હેડકોસ્ટેબલે કરી : અંતે એસીબી દ્વારા દાખલ થયેલ ગુનો

અમદાવાદ, તા.૨૦ :  અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ સ્ટેશન (બી ડિવિઝન)માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અકસ્માતની ફરિયાદ દાખલ કરવા માટે રૂ.૧૦ હજારની લાંચ માગતા એસીબીએ ગુનો દાખલ કર્યો છે. જો કે, પોલીસે મોતનો મલાજો પણ નહી જાળવતાં હરહંમેશ તેની કુટેવ પ્રમાણે લાંચની માંગણી કરતાં સમગ્ર પોલીસ તંત્રને શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડયુ હતું અને મોતનો મલાજો નહી જાળવનાર અને માણસાઇ ચૂકી જનાર હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફિટકારની લાગણી વરસી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ફરયાદી યુવકના પિતાનો તાજેતરમાં જ અકસ્માત થતાં તેઓ ફરિયાદ કરવા મીઠાખળી પોલીસ સ્ટેશનમાં ગયા હતા, જ્યાં હેડ કોન્સ્ટેબલ સુજલ કાપડિયાએ જણાવ્યું હતું કે, તમારા પિતા રોંગ સાઈડમાં હોવાના કારણે અકસ્માત થયો હતો, જેથી તેમની ફરિયાદ લઈ શકાય નહીં. આ અંગે યુવકે આગ્રહ કર્યો હતો અને પોલીસને તેમની ફરિયાદ નોંધવા વિનંતી કરી હતી. પરંતુ હેડ કોન્સ્ટેબલ સુજલે ૧૦ હજાર આપો તો ફરિયાદ દાખલ કરીશ એમ સ્પષ્ટપણે જણાવી દીધુ હતુ. જેથી કંટાળીને હતાશ થયેલા યુવકે એસીબીને ફરિયાદ કરતા છટકું ગોઠવ્યું હતું. જો કે સુજલને શંકા જતા તેણે પૈસા સ્વીકાર્યા ન હતા અને ત્યાંથી નીકળી ગયો હતો. સુજલને શંકા જતાં લાંચ સ્વીકારી નહોતી. જો કે, તેમછતાં આરોપીની ગુનામાં સંડોવણી અને લાંચની માંગણીનો ગુનો બનતો હોવાથી પીઆઈ શ્રીમતી રિદ્ધિ દવેએ આરોપી વિરુદ્ધ લાંચની માગણીનો ગુનો દાખલ કર્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર પોલીસ તંત્ર માટે આ બહુ શરમજનક અને ફિટકારની લાગણી વરસે તે પ્રકારનો બનાવ કહી શકાય. કારણ કે, માણસ મરી ગયો હોય તેવા કિસ્સામાં પણ પોલીસ મોતનો મલાજો જાળવ્યા વિના કે માણસાઇ દાખવ્યા વિના લાંચની માંગ કરે તે યોગ્ય નથી.

(8:22 pm IST)