Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

નડિયાદ-ખેડા પંથકમાંથી જુગારી ઝડપાયા

ખેડા: તાલુકાના કાજીપુરા ગામમાં આવેલ જુના ભાથીજી મંદિર નજીક  ખેડા ટાઉન પોલીસે દરોડો પાડ્યો હતો. જેથી પોલીસને જોઈને પત્તા પાનાનો જુગાર રમાતાં શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે પોલીસે સ્થળ પરથી મેહુલ રાજુભાઈ ઠાકોર (કાજીપુરા), પ્રહલાદ કેશાભાઈ ઠાકોર (કાજીપુરા), ધનજીભાઈ રતીલાલ ઠાકોર(કાજીપુરા) અને ચીમનભાઈ બબાભાઈ ઠાકોર (વાસણાખુર્દ)ને ઝડપી પાડ્યા હતા તેમની અંગજડતીમાંથી રૂ.૩૧૪૦ તેમજ દાવ પરથી રૂ.૭૦૦ મળી કુલ રૂ.૩૮૪૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે કબજે કરી પોલીસે ચારેય જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા દરોડામાં નડિયાદ તાલુકાના કણજરી ગામમાં રેલવેસ્ટેશન સામે આવેલ ધર્મશાળા આગળ ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમતાં રમેશભાઈ ઉર્ફે ઓલંગો રાજાભાઈ સોઢા પરમાર અને પ્રતાપસિંહ ભુપતસિંહ રાજ (બંને રહે.કણજરી)ને ખેડા એસઓજી પોલીસે પકડી પાડ્યાં હતાં. તેમની પાસે અંગજડતીમાંથી મળી આવેલ રૂ.૨૧૦૦ જપ્ત કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઠાસરામાં મલેકવાડા વિસ્તારમાં રહેતો અને સરકારી દવાખાના નજીક વરલી મટકાના આંકડા લખતો જૈનુદ્દીન રસુલમીયાં મલેકને ગતરોજ પોલીસે જુગારના આંકડા લખતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસે અંગજડતીમાંથી મળી આવેલ રૂ.૧૫૫ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કઠલાલ તાલુકાના ગંગીયાલ ગામના રાયણવાડ વિસ્તારમાં ચાલતાં જુગારધામ પર પોલીસે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં જશુભાઈ શંકરભાઈ પરમાર, જયદીપભાઈ રમેશભાઈ સોઢા, કાળુસિંહ ઉદેસિંહ ડાભી અને વિજયસિંહ પ્રતાપસિંહ ડાભીને ઝડપી પાડી તેઓની અંગજડતીમાંથી રૂ.૧૦,૭૦૦ તેમજ દાવ પરથી રૂ.૯૫૦ મળી કુલ રૂ.૧૧,૬૫૦ ની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:44 pm IST)