Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જયાપાર્વતીની જાગરણના દિવસ વડોદરા ટ્રાફિક પોલીસે બે બાળકીઓનું પરિવાર સાથે કરાવ્યું મિલાન

વડોદરા: કમાટીબાગમાં ગૌરીવ્રતના જાગરણ દરમિયાન પરિવારથી વિખૂટી પડી ગયેલી બે માસૂમોનું ટ્રાફિક પોલીસે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતુ.આ અંગેની વિગત એવી છે કે, શહેરમાં ગૌરીવ્રતના છેલ્લા દિવસે જાગરણ દરમિયાન રાત્રિના સમયે બગીચાઓમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે છે.  તે સમય દરમિયાન  અવ્યવસ્થા ન સર્જાય તે માટે  પોલીસ દ્વારા ઉપરોક્ત સ્થળોએ મહિલા પોલીસ અને સાદા ડ્રેસમાં પણ પોલીસ જવાનોને બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા હતા. કમાટીબાગ પાસે ગેટ નંબર-૨ પાસે ફરજ બજાવતાં બે પોલીસ જવાનોની નજર અઢી વર્ષના બાળક અને બે વર્ષની બાળકી  પર પડી હતી. આ બંને બાળકો પરિવારથી વિખૂટા પડી ગયા હોય રડતા હતા  અને પરિવારજનોને શોધતા હતા  જેથી, ટ્રાફિક જવાનોને બંને બાળકોને પોતાની પાસે બેસાડી  નાસ્તાના  પેકેટ અપાવી શાંત કર્યા હતા. દરમિયાન બંને બાળકોના પરિવારજનો આવી જતાં બંને બાળકોને તેમના પરિવારજનોને  સોંપી દેવામાં આવ્યા હતા. એક બાળક પાદરા તાલુકાના સેજાકુવા ગામનો હતો. જ્યારે બીજી બાળકી હરણી રોડ નાગેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતી હતી. બંને પરિવારજનોએ  ટ્રાફિક પોલીસનો આભાર  વ્યકત કર્યો હતો.

(4:33 pm IST)