Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

વડોદરાનું સીપીટીનું ૪૦ ટકા પરિણામ

વડોદરા: સીએના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની કોમન પ્રોફિશિયન્સીટેસ્ટ એટલે કે સીપીટી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાનું ૪૦ ટકા પરિણામ આવ્યું છે. શહેરના ૧૯૦માંથી ૭૭ વિદ્યાર્થીઓ સીપીટીની પરીક્ષામાં પાસ થયા છે.આઈસીએઆઈ (ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ અકાઉન્ટ ઓફ ઈન્ડિયા) દ્વારા ગત જૂન માસમાં લેવાયેલી સીપીટીની પરીક્ષામાં દેશભરમાંથી ૨૦૩૦૩ વિદ્યાર્થીઓમાંથી ૫૭૬૪ વિદ્યાર્થીઓ પાસ થતા દેશનું પરિણામ ૨૮.૨૯ ટકા રહ્યું છે. વડોદરાની પ્રાંશુ શાહે ૨૦૦માંથી ૧૭૫ ગુણ મેળવ્યા છે. દરરોજની ૬થી ૭ કલાક મહેનત કરનાર પ્રાંશુએ જણાવ્યું કે, આ પરીક્ષામાં પાસ થવા હું સોશિયલ મીડિયાથી દૂર જ રહી હતી. સમય પસાર કરવા બેડમિન્ટન રમતી અને મિત્રો સાથે વાતચીત કરતી હતી. મારા દાદા પણ સીએ હતા તેમની પ્રેરણાથી જ હું ક્ષેત્રમાં આગળ વધવા માંગુ છું. ૨૦૦માંથી ૧૬૦ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિની જેસિકા જૈને જણાવ્યું કે, પહેલેથી મને એકાઉન્ટ વિષયમાં રુચિ હતી જેને લઈને હું સીએ બનવા માંગુ છુ આ માટે દરરોજના ૬થી ૮ કલાકનું વાંચન કરતી હતી. નિહાર માંડવિયાએ સીપીટીની પરીક્ષામાં ૨૦૦માંથી ૧૫૮ માર્કસ મેળવ્યા છે તેનું માનવું છે કે, કોમર્સ ક્ષેત્રમાં સીએનો અભ્યાસ કરનારની સૌથી વધુ માંગ છે. ઉલ્લેખનીય છે કે, જૂન ૨૦૧૯ની સીપીટી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએે ફરજિયાત ફાઉન્ડેશન પરીક્ષા આપવી પડશે જે માટે ૧૬મી ઓગસ્ટ સુધીમાં તેનું રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. ડિસેમ્બરમાં માત્ર નવા કોર્સની ફાઉન્ડેશન પરીક્ષા લેવાશે.

(4:32 pm IST)