Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

યુવતીને વિદેશના નંબરોથી બિભત્સ મેસેજથી ચકચાર

યુવતીએ વસ્ત્રાપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી : વિદેશના અલગ અલગ નંબરો પરથી યુવતીને બિભત્સ અને ધમકીભર્યા મેસેજ કરી હેરાન કરાઇ રહી છે

અમદાવાદ, તા.૨૦ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી એક યુવતીના મોબાઇલમાં વોટ્સએપ પર છેલ્લા ઘણા દિવસોથી વિદેશના નંબર પરથી બિભત્સઅને ધમકીભર્યા મેસેજ આવતા કંટાળેલી યુવતીએ આખરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સિક્યોરિટીના બિઝનેસ સાથે સંકળાયેલી યુવતી અને તેના પાર્ટનરને અલગ અલગ વિદેશના નંબર પરથી હેરાનપરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો ફરિયાદમાં થયા છે. મેસેજ કરનાર શખસ યુવતી અને તેના પાર્ટનરની દરેક મૂવમેન્ટની જાણ વોટ્સએપ પર કરી રહ્યો હોઇ પોલીસે તે દિશામાં પણ તપાસ આરંભી છે. આ અંગેની વિગત એવી છે કે, ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી યુવતીને છેલ્લા ઘણા દિવસોથી વોટ્સએપ પર મળી રહેલી ધમકીના પગલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. યુવતી ઘણા સમયથી તેના પરિચિત એક યુવક સાથે પાર્ટનરશિપમાં સિક્યોરિટીનો બિઝનેસ કરે છે. થોડાક દિવસ પહેલાં યુવતીના મોબાઇલ પર વિદેશના નંબર પરથી બીભસ્ત મેસેજ આવવાનું શરૂ થયું હતું.  યુવતીએ તે નંબર બ્લોક કરી દેતાં બીજા અન્ય વિદેશના નંબર પરથી મેસેજનો મારો શરૂ થયો હતો. યુવતી કેટલા વાગે ઓફિસ પહોંચે છે તેના પાર્ટનર સાથે ક્યા જાય છે તે તમામ મૂવમેન્ટની જાણ મેસેજ કરનાર યુવતીને કરતો હતો. આ સિવાય થોડાક દિવસ પહેલાં મેસેજ કરનારે યુવતીની સાથે બિઝનેસમાં સંકળાયેલ યુવકના મોબાઇલ ઉપર પણ વોટ્સએપ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. આ યુવકને પણ યુવતીના ચરિત્રના વિશે અનેક બિભત્સ વાતો મેસેજમાં કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સની આ હરકતોથી કંટાળી આખરે યુવક-યુવતી દ્વારા વસ્ત્રાપુર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વિદેશના નંબરો પરથી બિભત્સ અને ધમકીભર્યા મેસેજો અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે યુવતીએજણાવ્યું હતું કે, મેસેજકરનાર તેમનો કોઇ અંગત છે જે અમારી દરેક મૂવમેન્ટ પર નજર રાખી રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસારવિદેશના નંબરનો ઉપયોગ કરનાર શખ્સ કોઇ ટેકનોલોજીનો જાણકાર હોઇ શકે છે. હાલ પોલીસે યુવતીની ફરિયાદના પગલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(7:33 pm IST)