Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

લુખ્ખાઓ સામે બરોડામાં રાજકોટ સ્ટાઈલથી જ કામ લેવામાં આવશેઃ અનુપમસિંહ ગેહલોત

પોલીસ કમિશ્નર તરીકે વડોદરામાં ચાર્જ સંભાળ્યોઃ અકિલા સાથે વિશેષ વાતચીત : લોકોને પોલીસ કમિશ્નર સુધી ધક્કા ન થાય તેવુ કામ કરવા તમામ પીઆઈને તાકીદ

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે આજ સુધી કોઈએ પણ ન મેળવી હોય તેવી અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવનાર અનુપમસિંહ ગેહલોતની વડોદરા ખાતે પોલીસ કમિશ્નર તરીકે બદલી થતા તેઓએ પોતાના હોદ્દાનો ચાર્જ બદલી પામેલ પોલીસ કમિશ્નર મનોજ શશીધર પાસેથી સંભાળી લીધો હતો. વડોદરામાં પણ અનુપમસિંહ ગેહલોતની રાજકોટની કાર્યપદ્ધતિથી પરીચીત પોલીસ સ્ટાફ તેમને નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં વડોદરા રેન્જ આઈજી તરીકે તેઓ રહી ચૂકયા હોવાથી વડોદરાના પ્રશ્નોથી તેઓ વાકેફ હોવાનું જણાવ્યુ હતું. તેઓએ જણાવેલ કે, વડોદરામાં વારતહેવારે કેટલાક અસામાજિક તત્વો કોમી પરિસ્થિતિ ડહોળવા માટે જે પ્રયાસો કરે છે તેની સામે આકરા પગલા રાજકોટ સ્ટાઈલથી જ લેવામાં આવશે. પ્રથમ તેઓને શાનમાં સમજાવવામાં આવશે અને ત્યાર બાદ આવા તત્વોની તેમના વિસ્તારમાં જઈ આગવીઢબે પૂછપરછ રાજકોટ સ્ટાઈલથી જ કરવામાં આવશે.

અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળતાની સાથે જ તમામ પોલીસ મથકના પીઆઈઓને લોકોની ફરીયાદો પરત્વે પુરતુ ધ્યાન આપવા અને લોકોને પોતાના સુધી આવવું ન પડે તેવુ ખાસ જોવા માટે સૂચના આપવા સાથે નિયમભંગ કે બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામા આવશે નહીં તેવી સ્પષ્ટ ચિમકી પણ આપી હતી.

(6:48 pm IST)