Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

દેડીયાપાડાનાં મંડાળાથી બોરીપીઠાનાં માર્ગનાં ખાત મુહુર્તને સાત મહિના થવા છતાં કામ ટલ્લે ચઢતા રોષ

એ સમયે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાનાં હસ્તે ખાત મુહર્ત થયા બાદ કામ આગળ નહિ વધતા અનેક અટકળો:મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.1.20 કરોડના ખર્ચે આ રોડ મંજુર થયા બાદ કામ નહિ થતા ચોમાસામાં લોકોને મુશ્કેલી પડશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સરકાર દ્વારા અનેક યોજનામાં વિકાસનાં કામો કરવા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને જે તે કામોના ખાત મુહર્ત પણ થાય છે પરંતુ ત્યારબાદ કેટલાક કામો ટલ્લે ચઢતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે સાતેક મહિના પહેલા ડેડીયાપાડા તાલુકાના મંડાળાથી બોરીપીઠા ગામના માર્ગનું ખાત મુહુર્ત કર્યા બાદ કામગીરી ચાલુ નહિ થતા લોકો અકળાઈ રહ્યા છે

સ્થાનિક યુવા કાર્યકર હિતેન્દ્ર વસાવાનાં જણાવ્યા મુજબ મંડાળાથી બોરીપીઠાનો માર્ગ ગ્રામ સડક યોજના હેઠળ મંજુર થયો રૂપિયા 1.20 કરોડના ખર્ચે બનનારા આ રોડ માટેનું ખાત મુહર્ત તે સમયના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ કર્યું હતું પરંતુ આ વાતને આજે સાત મહિના જેવો સમય વિતી ગયો હોવા છતાં આ આઠ કિલોમીટરનો રોડ હજુ સુધી કેમ નથી બનતો એ સમજાતું નથી જો ચોમાસા પહેલા આ માર્ગ નહિ બને તો લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડશે.સરકાર ભલે નવી નવી યોજના લાગુ કરી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ માટે તત્પર હોય પરંતુ કેટલાક કામોમાં માત્ર ખાત મુહુર્ત કર્યા બાદ આ કામ પૂર્ણ થયું છે કે નહિ એ બાબત લાગતાં વળગતા અધિકારીઓ જોતા નહિ હોય એમ આ માર્ગ હજુ જૈસેથે હાલતમાં જોવા મળી રહ્યો છે.ચોમાસા પહેલા આ માર્ગ બને તો લોકોને મુશ્કેલી નહિ પડે તેમ હિતેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું

 

(10:38 pm IST)