Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

અધિકારીઓએ સાયકલિંગ થકી દિવસની શરૂઆત કરી ‘ફિટ ઇન્‍ડિયા'નો સંદેશ આપ્‍યો : રિવર રાફિટંગ કરી એડવેન્‍ચરનો આનંદ પણ માણ્‍યો

ચિંતન શિબિર દિવસ બીજો

 

અમદાવાદ તા. ૨૦ : એકતાનગર ખાતે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં યોજાઈ રહેલી દસમી ચિંતન શિબિરના બીજા દિવસે સવારે રાજય સરકારના વરિષ્ઠ સનદી અધિકારીઓએ વૈશ્વિક ધરોહર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના સાનિધ્‍યમાં સાયકલિંગ સાથે દિવસની શરૂઆત કરી ફિટ ઈન્‍ડિયા'નો સંદેશ આપ્‍યો હતો. સાથે અધિકારીઓએ ફલેમ ઓફ ફોરેસ્‍ટ તરીકે ઓળખાતા કેસૂડા વનમાં વોકિંગ કરી પ્રકૃત્તિને નજીકથી નિહાળી હતી.

ત્રણ રાજયોની તરસ છીપાવતી, જળ વ્‍યવસ્‍થાપન અને ઈજનેરી કૌશલ્‍યના જીવંત ઉદાહરણ સમાન વિશાળ નેટવર્ક ધરાવતી નર્મદા કેનાલના ઝીરો પોઈન્‍ટને નિહાળી અભિભૂત થયા હતા. આ સમગ્ર રૂટ ઉપર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના આસિસ્‍ટન્‍ટ પી.આર.ઓ. સરલ પટેલની આગેવાનીમાં તેમની ગાઈડ ટીમ દ્વારા અધિકારીઓને માહિતગાર કરાયા હતા.

અન્‍ય અધિકારીઓએ ખલવાણી કેમ્‍પ સાઈટ ખાતે ગિરીકંદરાઓ વચ્‍ચે ખળ-ખળ વહેતી નદીમાં રિવર રાફિટંગ કરી એડવેન્‍ચરનો આનંદ માણ્‍યો હતો. સમગ્ર દેશનું પ્રવાસન કેન્‍દ્ર બિંદુ બનેલા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી પરિસર અને આસપાસના આકર્ષણ કેન્‍દ્રો ખરેખર પ્રવાસીઓને આકર્ષે છે અને એક સંપૂર્ણ પ્રવાસન સ્‍થળની અનુભૂતિ કરાવે છે એમ અધિકારીઓએ અભિપ્રાય આપ્‍યો હતો

 

 

(3:04 pm IST)