Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

વાવાઝોડાથી આંબા ઉપર તૈયાર કેરીનો પાક નીચે પડતા વલસાડ પંથકમાં ભારે નુકશાનઃ ૪૫ હજાર હેક્ટરમાં ૬૫ થી ૭૦ ટકા કેરી ખરી પડતા ભાવ ઘટી ગયા

વલસાડ: તૌકતે વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી હતી. વાવાઝોડાની સૌથી વધુ અસર ખેડૂતોને થઈ છે. વલસાડના કેરી તથા ચીકુના પાકમાં વધુ નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં 45 હજાર હેક્ટરમાં કેરીનો પાક થતો હોય છે. ત્યારે પવનના કારણે આંબા ઉપર તૈયાર થયેલો કેરીનો પાક નીચે પડી જતા કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. કેરી નીચે પડી જતા માર્કેટમાં કેરીના ભાવમાં ઘટાડા સાથે કેરીનો ભાવ 800 થી ૯૦૦ રૂપિયા હતો, જે હવે ઘટીને 200 રૂપિયા થઈ ગયો છે.

કેરીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ ચીકુ તથા ઉનાળુ પાકમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વરસાદના કારણે ઉનાળુ પાકના છોડવાઓ થયા નથી. તો 30 થી 40 ટકા ચીકુના પાકોમાં નુકસાન થયું છે.

તૌકતે વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લામાં આવેલી આંબાવાડીઓમાં કેરીના પાકને ભારે નુકશાન થયું છે. આંબાવાડીમાંથી 65 થી 70 ટકા કેરીઓ ખરી પડી છે. જેના કારણે ખેડૂતોને પૂરતુ વળતર મળી રહ્યુ નથી. ખરી પડેલી કેરીઓના સારા ભાવો મેળવવા ખેડૂતો વલસાડ જિલ્લામાં આવેલી APMC માર્કેટમાં દોડધામ કરી રહ્યાં છે.

જિલ્લામાં 45 હજાર હેક્ટરમાં આંબાઓ આવેલા છે. તેમાંથી 33 હજાર હેક્ટરમાં કેરીનો પાક થાય છે. જિલ્લામાં આવેલી 7 APMC માર્કેટમાં કેરીના ઢગલાઓ જોવા મળ્યા હતા. જિલ્લાની 7 APMC માર્કેટમાં બે દિવસમાં 10 હજાર ટન જેટલી કેરીઓ માર્કેટમાં આવી છે.

- વલસાડ ખાતે 2000 ટન કેરી

- ઉદવાડા ખાતે 1500 ટન

- ધરમપુર ખાતે 2700 ટન

- નાનાપોન્ધા ખાતે 300 ટન

- ભિલાડ ખાતે 700 ટન

- પારડી ખાતે 1700 ટન

તો ખેડૂતોને હાલમાં માર્કેટમાં કેરીનો ભાવ 100 થી 400 સુધી મળી રહ્યાં છે. તો આગામી દિવસોમાં આંબાવાડીમાં બચેલી કેરીનો સારો ભાવ ખેડૂતોને મળશે એવું વેપારીઓ જણાવી રહ્યાં છે.

(4:21 pm IST)