Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ધરોઈ ડેમમાં છેલ્લા ૫ વર્ષમાં સૌથી ઓછો પાણીનો જથ્થો: માત્ર ૧૧.૩૬ ટકા પાણી ઉપયોગ લાયક

વરસાદ ખેંચાય તેવા સંજોગોને પહોંચી વળવા તંત્ર દ્વારા પાણી સપ્લાયમાં કરકસર શરૂ

મહેસાણા : ગત નબળા ચોમાસાના કારણે છેલ્લા ૫ વર્ષમાં ચાલુ સાલે ધરોઇ ડેમમાં પાણીનું સ્તર સૌથી નીચુ રહ્યું છે. ડેમની કુલ ક્ષમતાં પ્રમાણે અત્યારે ૧૭.૬૩ ટકા પાણીનો જથ્થો છે, જે પૈકી ૧૧.૩૬ ટકા પાણી ઉપયોગ લાયક રહ્યું છે. વરસાદ ખેંચાય તો તેવા સંજોગોને પહોંચી વળવા તંત્ર દ્વારા પાણી સપ્લાયમાં કરકસર શરૂ કરાઇ છે.

  સામાન્ય રીતે ડેમમાં પાણીની સારી સ્થિતિ હોય તો મે મહિના ત્રીજા સપ્તાહ સુધી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને ૧૮ કરોડ ૫૦ લાખ કરોડ લિટર પાણી દૈનિક વપરાશ માટે આપવામાં આવે છે. પરંતુ પાણીની નબળી સ્થિતિને લઇ અત્યારે દૈનિક ૧૬ કરોડ ૯૦ લાખ લિટર પાણી આપવામાં આવી રહ્યું છે. જેને લઇ મહેસાણામાં ૭૦ લાખ, પાટણમાં ૫૦ લાખ અને બનાસકાંઠામાં ૪૦ લાખ લિટર પાણી ઓછું આપવામાં આવી રહ્યું છે.

૨૦૦૫ થી ૨૦૧૮ સુધીમાં ધરોઇ ડેમમાં પાણીની આવક થયાની સ્થિતિ જોઇએ તો ૧૪ વર્ષમાં ૩ વર્ષ જૂનના છેલ્લા સપ્તાહમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ હતી. ૧૧ વર્ષ એવા છે કે જેમાં ૨ જુલાઇ થી ૧૬ જુલાઇ સુધીમાં વરસાદી પાણીની આવક નોંધાઇ છે.

(11:52 am IST)