Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

અેક લાઇસન્‍સ હોય અને બીજુ કઢાવવુ હોય તો ફરજીયાત આરટીઓ અે જવું પડે : ઓનલાઇન પ્રક્રિયામાં અેન્‍ડોર્સમેન્‍ટની સુવિધા જ નથી : અમદાવાદના વાહન ચાલકો પરેશાન

અમદાવાદ: આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે રોજના ૩પ૦થી ૪૦૦ લોકો આવતા હોય છે. લાઇસન્સને લગતી તમામ કામગીરી હવે સારથિ-૪ સોફટવેરમાં એપોઇન્ટમેન્ટથી જ થાય છે. પરંતુુ આ સોફટવેરમાં એક લાઇસન્સ કઢાવ્યા પછી એજ વાહનચાલકને બીજું લાઇસન્સ કઢાવવું હોય તો જરૂરી એન્ડોર્સમેન્ટની પ્રક્રિયા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટની કોઇ જ વ્યવસ્થા નહીં હોવાથી રોજના ૩પ૦થી ૪૦૦ લોકો આરટીઓમાં હાલાકી ભોગવે છે.

ટુ વ્હીલરનું લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે મોટા ભાગે અત્યારે વેકેશનનો સમય હોઇને લાઇસન્સ કઢાવવાનું પસંદ કરે છે. લાઇસન્સમાં એક વિહિકલ દીઠ એટલે કે ટુ વ્હીલર પછી ફોર વ્હીલર એટલે કે બીજા લાઇસન્સનું એન્ડોર્સમેન્ટ કરાવવું હોય તો એન્ડોર્સમેન્ટ પ્રક્રિયાની એપોઇન્ટમેન્ટ લેવી પડે પરંતુ સારથિ-૪ સોફટવેરમાં આવી કોઇ વ્યવસ્થા નથી.

તેથી લર્નિંગ લાઇસન્સની એપોઇન્ટમેન્ટ સાથે એન્ડોર્સમેન્ટ માટે મેન્યુઅલી કામ માટે રોજના ૩પ૦ થી૪૦૦ જેટલા ઉમેદવારોને રૂબરૂ ધક્કો ખાવાનો રહે છે. આરટીઓ ઇન્સ્પેકટર ઓનલાઇન ફોર્મ જોયા પછી ફોર્મ ચકાસણી કરી આપે છે.

કોઇપણ એક ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિએ બીજું લાઇસન્સ કઢાવવું હોય તો તે લાઇસન્સમાં એડ્ કરાવવું પડે છે. હાલમાં આરટીઓમાં કોઇપણ કામગીરી ઓનલાઇન સિવાય થતી નથી. એન્ડોર્સમેન્ટ માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી તેની રિસિપ્ટ મેળવી તે અંગે લર્નિંગ લાઇસન્સ એપ્લાય કરવું પડે છે. અને ત્યારબાદ ઇન્સ્પેકટર પાસે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફાઇ કરાવવા પડે. જોકે લર્નિંગ લાઇસન્સનો ફરી ટેસ્ટ આપવાનો હોતો નથી.

આ અંગે આરટીઓ એસ.પી. મુનિયાએ જણાવ્યું કે એન્ડોર્સમેન્ટની પ્રક્રિયા માટે કોઇ એપોઇન્ટમેન્ટ મળતી નથી. ફોર્મની રિસિપ્ટના આધારે અમે કામ કરીએ છીએ અને ઇ-મેઇલ દ્વારા તેમજ રૂબરૂમાં પણ આ અંગે સરકારને જાણ કરી છે.

(12:12 pm IST)