Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાનના દિવસે રજા આપવા શ્રમ આયુક્તની કચેરીની સૂચના

ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ દુકાનો અને વાણીજ્યક સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ પણ મતદાન કરી શકે તે અંગે વ્યવસ્થા કરવા સૂચના અપાઈ

ગાંધીનગર : રાજ્યના શ્રમ આયુક્તની યાદીમાં જણાવ્યા અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪ અન્વયે આગામી તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. મતદાનના દિવસે જે તે મતવિસ્તારની સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ આપવામાં આવતી અઠવાડિક રજા જો મતદાનના દિવસે ન હોય તો, અઠવાડિક રજા બદલી કરીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા દરેક વ્યક્તિને મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે. આ રજા માટે શ્રમયોગી/કર્મચારીના પગારમાંથી કોઇપણ પ્રકારની કપાત કરવાની રહેશે નહિ. જો કોઈ માલિક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫-Bની જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે, તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં તા. ૨૬/૦૪/૨૦૨૪, મધ્યપ્રદેશમાં તા. ૧૩/૦૫/૨૦૨૪ તેમજ મહારાષ્ટ્રમાં તા. ૧૩/૦૫/૨૦૨૪ અને ૨૦/૦૫/૨૦૨૪ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મતદાન થનાર છે. જેથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના વતની હોય અને નોકરી ધંધા માટે ગુજરાતમાં રહેતા હોય, તેવા મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ સ્થાનિક સંસ્થાઓ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓને મતદાનના દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને કર્મચારીઓ/શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા સૂચના અપાઈ છે.
નાગરીકો પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે સ્થાનિક સંસ્થાઓમાં ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો, રેલ્વે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ, દુકાનો, વાણીજ્યક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/કચેરીઓને ચૂંટણીમાં મતદાનના દિવસે કર્મચારીઓ/શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા સૂચના આપવામાં આવી છે, તેમ વધુમાં જણાવાયું છે.
 

(7:05 pm IST)