Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપક બિન શૈક્ષણિક સ્ટાફ સહિત ૧૦ કર્મચારીઓને કોરોનાઃ એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા સેનેટાઇઝ કામગીરી

વડોદરા: રાજ્યમાં સતત વધતા જતા કોરોના સંક્ર્મણની લીધે હાલ સ્થિતિ ખૂબ ગંભીર બની ગઇ છે. રાજ્યમાં સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. એમાં પણ ખાસકરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં કૂદકે ને ભૂસકે સતત કેસ વધી રહ્યા છે. કોરોના પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ખાતે આવેલી એમ એસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીના 10 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં અધ્યાપક, બિન શૈક્ષણિક સ્ટાફ સહિતના કર્મચારીઓને કોરોના વળગ્યો છે. ત્યારે એબીવીપીના વિદ્યાર્થીઓ આર્ટસ ફેકલ્ટીને સેનેટાઇઝ કરવાની કામગીરી કરી રહ્યા છે.

એબીવીપીના વિદ્યાર્થીઓએ પીપીઇ કીટ પહેરીને યુનિવર્સિટીને સેનેટાઇઝ કરવા આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા સરકારના 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાના આદેશનું પાલન થઇ રહ્યું નથી એવી વિગતો પણ જાણવા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. એવામાં વડોદરા શહેરમાંથી એક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. અહીં એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે જહાંગીરપુરા મસ્જિદમાં 50થી વધુ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે જે હોસ્પિટલોમાં જગ્યા મળી નથી તેમની અહીં સારવાર કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઇએ કે વડોદરામાં જ સ્વામીનાયારણ મંદિરમાં 500 બેડની સુવિધાવાળી હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં કોરોના દર્દીઓને આઇસોલેટ કરવામાં આવે છે અને જરૂર પડતાં તેમને ઓક્સિજન પણ આપવામાં આવે છે.

(5:07 pm IST)