Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ભારત સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડ દ્વારા સત્તાધીશોને લઈ રઝળતા પશુની સમસ્યા ઉકેલવા પ્રયાસો કરાશે

પશુ-પક્ષીઓ માટે એમ્બ્યુલન્સ સેવા, એનિમલ હોસ્ટેલ જેવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા પ્રાણીઓની રક્ષા માટે કાર્ય કરાશે

અમદાવાદ,તા.૨૦ : ભારત સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડ દ્વારા  કીડીથી હાથી સુધીના પ્રાણીઓની રક્ષા-સુરક્ષા માટે ધનિષ્ઠ કામગીરી હાથ ધરાશે. આ અંગે બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ એસ પી ગુપ્તાએ ગાંધીનગર ખાતે પત્રકારોને માહિતી આપી હતી. સમગ્ર ભારતમાં જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ અંગે લોકજાગૃતિ કેળવાય તેમજ તેમનું કલ્યાણ થાય તેવા ઉમદા આશયથી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. એનીમલ વેલ્ફેર બોર્ડમાં નવનિયુક્ત અધ્યક્ષ અને રીટાયર્ડ આઈએએસ એસપી ગુપ્તાએ બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ વિવિધ ક્ષેત્રિય નિષ્ણાંતોની બનેલી ટીમે ભારત સરકારના વિવિધ મંત્રાલયો તેમજ વિવિધ રાજ્યોની સરકારો સાથે ખભેખબા મીલાવી પ્રાણી કલ્યાણના મુદ્દાઓને વેગવંતાબનાવવાનો સફળ પ્રયાસ કર્યો છે.

અન્ને ઉલ્લેખનીય છે કે, સેવા નિવૃત થયા બાદ એસપી ગુપ્તા પોતે પણ ધણા વર્ષોથી ગૌ સેવાર્થે પોતાની ગૌશાળાનું નિર્માણ કરી ત્યાં જ સહપરિવાર નિવાસ કરી રહ્યા છે. થોડા મહિનાઓ પૂર્વે, ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બોર્ડના ચેરમેન અને સભ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પ્રાણી કલ્યાણના વિવિધ મુદ્દાઓ જેવા કે, ગૌચર અને બિનફળદ્રુપ જમીનની વિગતો મેળવીને પંચાયતો, સ્થાનિક સત્તાધિશો વગેરેને સાથે લઈ સુપ્રિમકોર્ટની ગાઈડ લાઈન મુજબ રસ્તા પરના પશુઓ ખાસ કરીને, રખડતા ગૌવંશને આશ્રય આપવા અંગેના સૂચન પર પરિણામલક્ષી કામગીરી કરવી, મનુષ્યોની જેમ ૧૦૮ હોય છે તેમ પશુ-પક્ષીઓ માટે પણ ૧૯૬૨ એમ્બ્યુલન્સ સેવાનો વ્યાપ અને વિસ્તાર વધારવો, બાયોગેસ નિર્માણ, ગૌચર જમીન ઉપર એનીમલ હોસ્પિટલનું નિર્માણ કરી તેમજ સ્વાવલંબન તરફ આગળ વધવા, વર્મીકમ્પોસ્ટ ખાતરના નિર્માણ ઉપર વ્યાપક ચર્ચા કરાઈ હતી. રાજ્યકક્ષા સ્ટેટ એનીમલ વેલ્ફેર બોર્ડને તેમજ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીને કાર્યાન્વિત કરી, પુરતુ બજેટ ફાળવી તેમના માધ્યમથી પણ ગુજરાત સરકાર અને ભારત સરકારના પ્રાણી કલ્યાણ અંગેના પુરતા દવાખાના ઓપરેશન વેગવંતુ બનાવવા ચર્ચાઓ કરાઈ હતી.

(10:17 pm IST)