Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

નરોડા પાટિયા કાંડમાં માયાબહેન કોડનાની નિર્દોષ : બજરંગીને સજા

ગુજરાત હાઇકોર્ટનો અતિમહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદોઃ બાબુ બજરંગીની જીવે ત્યાં સુધી જેલની સજાને ઘટાડી આજીવન કેદ કરાઇ, કુલ ૧૨આરોપીઓને જન્મટીપની સજા, નિર્દોષ છૂટેલા ત્રણને પણ જન્મટીપ

અમદાવાદ,તા. ૨૦: ગુજરાતના અતિસંવેદનશીલ રાયોટીંગ કેસ પૈકીના એક અને ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારા નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હર્ષાબહેન દેવાણી અને જસ્ટિસ એ.એસ.સુપહીયાએ આજે બહુ મહત્વના સીમાચિહ્નરૂપ ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં હાઇકોર્ટે ભાજપના પૂર્વ પ્રધાન અને નરોડાના પૂર્વ ધારાસભ્ય ડો.માયાબહેન કોડનાનીને સ્પેશ્યલ કોર્ટે ફટકારેલી ૨૮ વર્ષની જેલની સજાનો હુકમ ગેરકાયદે અને રદબાતલ ઠરાવી તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ડો.માયાબહેન કોડનાનીને નિર્દોષ ઠરાવતાં માયાબહેનને બહુ જ મોટી રાહત મળી છે. બીજીબાજુ, બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી જેલની ટ્રાયલ કોર્ટે સજામાં ઘટાડો કરી હાઇકોર્ટે બજરંગીને ૨૧ વર્ષની જન્મટીપની સજા કરી છે. તદુપરાંત, હાઇકોર્ટે ૧૩ જેટલા આરોપીઓની જન્મટીપની ૨૧ વર્ષની સજા કાયમ રાખી છે. આ સિવાય સ્પેશ્યલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકાયેલા આરોપીઓ પૈકીના ત્રણ આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ ચૌમલ, પી.જે.રાજપૂત અને ઉમેશ સુરાભાઇ ભરવાડને હાઇકોર્ટે દોષિત ઠરાવ્યા છે અને તેમને સાંભળીને હવે હાઇકોર્ટ તા.૯મી મેના રોજ સજા સંભળાવશે. નરોડા પાટિયાના ચકચારભર્યા અને અતિસંવેદનશીલ કેસમાં સીટ સ્પેશ્યલ કોર્ટના ડેઝીગ્નેટેડ જજ ડો.જયોત્સનાહબેન યાજ્ઞિકે ડો.માયાબહેન કોડનાનીને ૨૮ વર્ષની જેલ, બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા સહિત કુલ ૩૨ આરોપીઓને ૧૪થી ૨૧ વર્ષ સુધીની જન્મટીપની સજા ફટકારી હતી, જયારે ૨૯ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. સીટ સ્પેશ્યલ કોર્ટના આ ચુકાદાથી નારાજ ડો.માયાબહેન કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપીઓ દ્વારા તેમની સજાના હુકમને પડકારતી જુદી જુદી અપીલો ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઇ હતી, તો, સામે પક્ષે આરોપીઓની સજા વધારવા અને નિર્દોષ છૂટેલા આરોપીઓને સજા કરાવવા માટે સરકારપક્ષ તરફથી તેમ જ ફરિયાદી અસરગ્રસ્તપક્ષ તરફથી પણ અપીલો દાખલ કરાઇ હતી. જેમાં હાઇકોર્ટે ડો.માયાબહેન કોડનાનીની અપીલ ગ્રાહ્ય રાખી તેમને ટ્રાયલ કોર્ટે ફટકારેલી ૨૮ વર્ષની જેલની સજાનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો અને તેમને આ કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આરોપી બાબુ બજરંગીની અપીલ અંશતઃ ગ્રાહય રાખી હતી અને તેમને જીવે ત્યાં સુધી જેલના બદલે ૨૧ વર્ષની જન્મટીપની સજા કરી છે. હાઇકોર્ટે સરકારપક્ષ અને ફરિયાદી અસગ્રસ્ત પક્ષની અપીલો અંશતઃ ગ્રાહ્ય રાખી હતી. જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડાયેલા ૨૯ આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ રાજકુમાર ઉર્ફે રાજુ ચૌમલ, પી.જે.રાજપૂત અને ઉમેશ સુરાભાઇ ભરવાડને હાઇકોર્ટે દોષિત ઠરાવ્યા છે અને તેમને સાંભળીને હવે હાઇકોર્ટ દ્વારા તા.૯મી મેના રોજ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં ડો.માયાબહેન કોડનાની, બાબુ બજરંગી સહિતના કેટલાક આરોપીઓ તરફથી સિનિયર એડવોકેટ યોગેશ લાખાણી, બી.બી.નાયક સહિતના દિગ્ગજ ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા, જયારે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર પ્રશાંત જી.દેસાઇ, આર.સી.કોડેકર અને ગૌરાંગ વ્યાસ હાજર રહ્યા હતા. આ કેસમાં હાઇકોર્ટે ઓગસ્ટ-૨૦૧૭માં ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે જાહેર કર્યો હતો. અપીલ ચાલવા દરમ્યાન આરોપી અશોક ઉત્તમચંદ ગુજરી ગયો હતો. હાઇકોર્ટના ચુકાદાથી સૌથી મોટી રાહત ડો.માયબહેનને મળી છે.

ફરિયાદપક્ષ અસરગ્રસ્તો સુપ્રીમમાં ન્યાય માટે જશે

નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં ડો.માયાબહેન કોડનાનીને નિર્દોષ ઠરાવતાં અને બાબુ બજરંગીની જીવે ત્યાં સુધી જેલની સજા ઘટાડી ૨૧ વર્ષની જન્મટીપની સજા કરવા સહિતના આજના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી ફરિયાદપક્ષ અસરગ્રસ્તો ભારે વ્યથિત થયા હતા અને નારાજગી વ્યકત કરી હતી. કેટલાક અસરગ્રસ્તોએ હાઇકોર્ટના આ ચુકાદાને દુર્ભાગ્યપૂર્ણ અને ન્યાયની કસુવાવડ સમાન ગણાવ્યો હતો. ૧૬-૧૬ વર્ષની કાનૂની લડાઇ અને અનેક પારાવાર મુશ્કેલીઓ, તકલીફો અને હાલાકીઓ વેઠયા બાદ પણ ન્યાય નહી મળતાં અસરગ્રસ્તો દ્વારા હાઇકોર્ટના ચુકાદા પરત્વે ભારોભાર અસંતોષ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓ જીવે ત્યાં સુધી કાનૂની લડાઇ લડવા તૈયાર છે અને ન્યાય માટે હાઇકોર્ટના ચુકાદા સામે આગામી દિવસોમાં તેઓ ચુકાદાના અભ્યાસ બાદ અને કાનૂની નિષ્ણાતો સાથે સલાહ-પરામર્શ બાદ સુપ્રીમકોર્ટમાં જશે.

સ્ટીંગ ઓપરેશનનો પુરાવો હાઇકોર્ટે ગ્રાહ્ય ના રાખ્યો

ગુજરાત હાઇકોર્ટે તેના અતિમહત્વના ચુકાદામાં મહત્વના સાહેદ અને તહલકા માટે સ્ટીંગ ઓપરેશન કરનાર પત્રકાર આશિષ ખેતાનના સ્ટીંગ ઓપરેશનના પુરાવાને ગ્રાહ્ય રાખવાનો સાફ ઇનકાર કર્યો હતો. જો કે, હાઇકોર્ટે આશિષ ખેતાનની સાહેદ તરીકે જુબાની સ્વીકારી હતી અને તેના આધારે આરોપી બાબુ બજરંગી, સુરેશ લંગડો સહિતના ત્રણ આરોપીઓને સજા ફટકારી હતી. તહલકાના સ્ટીંગ ઓપરેશનમાં બાબુ બજરંગી, સુરેશ લંગડા સહિતના આરોપીઓએ નરોડા પાટિયા હત્યાકાંડની ઘટનાઓ કબૂલી હતી અને તેમાં પોતાની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો હતો. હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના ચુકાદાનો આધાર ટાંકી સ્ટીંગ ઓપરેશનને પુરાવા તરીકે માન્ય રાખ્યું ન હતુ પરંતુ આ ત્રણેય આરોપીઓએ તેમાં પત્રકાર કહેલી વાતો અને જુબાનીમાં સામે આવેલી હકીકતોને એકસ્ટ્રા જયુડીશીયલ કન્ફેશન તરીકે ગણાવી આરોપીઓને તેના આધારે બાબુ બજંરગી સહિતના આરોપીઓને સજા ફટકારી હતી.

શું હતો નરોડા પાટિયાનો ચકચારભર્યો હત્યાકાંડ?

ગત તા.૨૭-૨-૨૦૦૨ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચમાં ૫૮ નિર્દોષ કારસેવકોને જીવતા ભુંજી નાંખવાના જઘન્ય હત્યાકાંડના બહુ જ ગંભીર, ખતરનાક અને ઘેરા પ્રત્યાઘાત ગુજરાતભરમાં પડયા હતા. ગોધરાકાંડ બાદ રાજયભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમ્યાન ગત તા.૨૮-૨-૨૦૦૨ના રોજ હજારો લોકોના તોફાના ટોળાઓ દ્વારા મુસ્લિમ સમુદાયના લોકો પર જઘન્ય હુમલો કર્યો હતો, જેમાં ૯૭ લોકોના મોત નીપજયા હતા. જેમાં ૩૫ બાળકો, ૩૬ મહિલાઓ અને ૨૬ પુરૂષોનો સમાવેશ થતો હતો. ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસ દરમ્યાન આ કેસમાં ૪૬ આરોપીઓ હતા પરંતુ સુપ્રીમકોર્ટ દ્વારા ૨૦૦૮માં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ની રચના કરાયા બાદ આ કેસમાં કુલ ૭૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી તેઓની વિરૂધ્ધ સ્પેશ્યલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ ફાઇલ કરાયું હતું. કેસના ટ્રાયલ પહેલાં છ આરોપીઓ ગુજરી ગયા હતા, જયારે કેસ ચાલવા દરમ્યાન ત્રણ આરોપીઓ ગુજરી ગયા હતા. આખરે ૬૧થી વધુ આરોપીઓ વિરૂધ્ધનો ટ્રાયલ ચાલી જતાં સીટ સ્પેશ્યલ કોર્ટે ગત તા.૨૯-૮-૨૦૧૨ના રોજ ડો.માયાબહેન કોડનાનીને ૨૮ વર્ષની જેલ, બાબુ બજરંગીને જીવે ત્યાં સુધીની જેલ તે સહિત કુલ ૩૨ આરોપીઓને ૧૪ વર્ષથી લઇ ૨૧ વર્ષ સુધીની સજા ફટકારી હતી, જયારે ૨૯ આરોપીઓ નિર્દોષ છોડી મૂકાયા હતા.

જન્મટીપની સજા પામેલા આરોપીઓની યાદી......

*       નરેશ અગરસિંઘ છારા

*       મુરલી નારણ સિંધી

*       બાબુભાઇ ઉર્ફે બાબુ બજરંગી

*       કિશન કોરાણી

*       પ્રકાશ સુરેશભાઇ રાઠોડ

*       સુરેશ ઉર્ફે રિચર્ડ ઉર્ફે સુરેશ લંગડો

*       પ્રેમચંદ તિવારી

*       નવાબ ઉર્ફે કાળુ ભૈયા હરિસિંહ

*       હર્ષદ ઉર્ફે મુંગડા જિલાગોવિંદ( ૧૦ વર્ષની સજા)

*       મનોજ કુકરાણી

*       બિપીન પંચાલ

*       સુરેશ ઉર્ફે શેહજાદ દલુભાઇ

*       હરેશ ઉર્ફે હરિયો જીવણભાઇ

નિર્દોષ છૂટેલા આરોપી

*       ડો.માયાબહેન કોડનાની

*       માયાબહેનના પીએ કિરપાલસિંગ જંગબહાદુરસિંગ

*       ગણપત છનાજી

*       વિક્રમ ઉર્ફે ટીનીયો માણેક છારા

*       મનુભાઇ કેસાભાઇ મરૂડા

*       લક્ષ્મણ ઉર્ફે લાખો બુધાજી

*       અશોક હુદલદાસ

*       મુકેશ ઉર્ફે વકીલ રતિલાલ

*       મનોજ ઉર્ફે મનોજ સિંધી રેણુમલ

*       હીરાજી ઉર્ફે હીરો મારવાડી

*       વિજય તખુભાઇ

*       રમેશભાઇ કેશવલાલ

*       વિલાસ ઉર્ફે વિલીયો સોનાર

*       સંતોષકુમાર ડોડુમલ

*       શશીકાંત ઉર્ફે ટીનીયો મરાઠી

*       બાબુભાઇ ઉર્ફે બાબુ વણઝારા

*       દિનેશ ઉર્ફે ટીનીયો ગોવિંદભાઇ

*       પીન્ટુ દલપતભાઇ

હાઇકોર્ટે દોષિત ઠરાવ્યા તે આરોપીઓ...........

*       રાજકુમાર ઉર્ફે રાજુ ચૌમલ

*       ઉમેશ સુરાભાઇ ભરવાડ

  • પી.જે.રાજપૂત
(7:44 pm IST)