Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

બહુચરાજીના વણોદ ખાતે હવાઇપટ્ટી બાંધકામની કામગીરી પડતી મુકાશે :બગોદરામાં જમીન મેળવી

માંડવી એરસ્ટ્રીપ કાર્યરત : અંબાજી હવાઇપટ્ટી માટે સરકારી જમીન એક જ જથ્થાંમાં ઉપલબ્ધ નથી: દ્રારકામાં ખાનગી જમીન સંપાદનની કામગીરી ચાલુ

રાજયના અંબાજી, દ્રારકા, મોરબી, દહેજ, પાલીતાણા, ધોળાવીરા, રાજકોટ, અંકલેશ્વર, પરસોલી, રાજપીપળા, માંડવી, વણોદ ( બેચરાજી ) અને બગોદરા ખાતે રાજયની માલિકીની એરસ્ટ્રીપ વિકસાવવાનું આયોજન હતું તે પૈકી કઇ એરસ્ટ્રીપનું કામ પૂર્ણ થયું તેવો પ્રશ્ન દાંતાના ધારાસભ્ય કાંન્તિભાઇ ખરાડીએ વિધાનસભામાં પૂછયો હતો. આ પ્રશ્નનો નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, માંડવી એરસ્ટ્રીપ કાર્યરત છે. જયાર અંબાજી હવાઇપટ્ટી બંધકામ માટે જરૂરિયાત મુજબની સરકારી જમીન એક જ જથ્થાંમાં ઉપલબ્ધ થઇ શકે તેમ નથી. તો દ્રારકામાં ખાનગી જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. જયારે મોરબીમાં 90 હેકટર જમીન મેળવવામાં આવી છે. બાઉન્ડ્રીવોલ બાંધકામની કામગીરી પ્રગતિમાં છે. દહેજમાં હવાઇપટ્ટી બાંધકામ માટે જરૂરિયાત મુજબની યોગ્ય જમીન ઉપલબ્ધ નથી. તો પાલીતાણામાં પ્રી-ફીઝીબીલીટી સ્ટડી માટે એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને પત્ર લખવામાં આવ્યો છે. ધોળાવીરામાં એરસ્ટ્રીપ બાંધકામ માટે યોગ્ય જમીન ઉપલબ્ધ થઇ નથી. તો રાજકોટ એરપોર્ટ વિકસાવવાની કામગીરી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્રારા હાથ ધરવામાં આવી છે. જમીન સમતળ અને બાઉન્ડ્રીવોલ તથા રનવે બાંધકામની કામગીરી પ્રગતિમાં છે.

આ ઉપરાંત અંકલેશ્વરમાં રનવે બાંધકામ માટે ખર્ચના નકશા અંદાજો મંજુરી અર્થે પ્રગતિમાં છે. પરસોલીમાં હવાઇપટ્ટી વિકસાવવા માટે 13-11-2018ના પત્રથી જમીન ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટરને જણાવ્યું છે. રાજપીપળામાં પ્રી ફીઝીબીલીટી સ્ટડી માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને પત્ર લખવામાં આવ્યો છે. જમીન સમતળ અને બાઉન્ડ્રીવોલ બાંધકામ માટે ખર્ચના નકશા અંદાજો મંજુરી અર્થે પ્રગતિમાં છે. વણોદ ( બેચરાજી ) ખાતે હવાઇપટ્ટી બાંધકામની કામગીરી પડતી મૂકવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી હવે ત્યાં હવાઇપટ્ટી બાંધકામની કામગીરી કરવાની રહેતી નથી. જયારે બગોદરામાં જમીન મેળવી છે.

વધુમાં એવો પણ જવાબ આપવામાં આવ્યો છે કે, આ જમીન સંપાદનને લગતી કામગીરી તેમ જ ભારત સરકારના વિવિધ મંત્રાલયોની આવશ્યક મંજુરી મેળવવાની કામગીરી પૂર્ણ થયા બાદ એરસ્ટ્રીપ વિકસાવવાની કામગીરી હાથ ધરી શકાય તેમ છે. આ કામગીરી પાછળ 1-1-2019થી 31-12-2019 સુધીમાં 5,08,72,397 તથા 1-1-2020થી 31-12-2020 સુધીમાં 1,08,15,515 મળીને કુલ 6,16,87,912 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે

(10:13 pm IST)