Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

વનવાસી-વનબંધુ સંબોધનો બંધ કરવા કોંગ્રેસની માગ

ગુજરાત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને : આ પ્રકારના શબ્દો ગેરબંધારણીય છે તેમજ અપમાનજનક હોવાનું કહી વિપક્ષે ઉચ્ચારણોનો વિરોધ કર્યો

ગાંધીનગર, તા. ૨૦ : ગુજરાત વિધાનસભામાં આદિવાસીઓ માટે ભાજપ દ્વારા કરાતા વનવાસી અને વનબંધુ જેવા સંબોધનને બંધ કરવાની માંગ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. શનિવારે કોંગ્રેસે ગૃહમાં જણાવ્યું હતું કે આ પ્રકારના શબ્દો ગેરબંધારણીય છે તેમજ અપમાનજનક છે. હવે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને-સામને આવી ગયા છે. રાજ્ય આદિવાસી કલ્યાણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, આ પ્રકારના શબ્દોનો પ્રયોગ છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે અને પૂર્વની કોંગ્રેસ સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ આદિવાસીઓની કલ્યાણ યોજનાઓ માટે વનબંધુ તેમજ વનવાસી શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. અમારી સરકારે આ શબ્દનો ઉપયોગ ફક્ત વનબંધુ કલ્યાણ યોજના સહિતની કેટલીક કલ્યાણકારી યોજના માટે કર્યો છે. અમારી સરકારે આદિવાસી શબ્દને બદલીને વનવાસી કે વનબંધુ કરવા કોઈ ઠરાવ કર્યો નથી તેમ મંત્રી ગણપત વસાવાએ ગૃહમાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું. ભાજપે આ શબ્દ વાપરવાની શરૂઆત નથી કરી અને તેનો ઉપયોગ ૧૯૭૬માં જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી તે વખતથી થતો આવે છે. ૨૦૦૬માં કેન્દ્રની કોંગ્રેસ સરકારે પણ વનમાં રહેતી અનુસૂચિત જનજાતી માટે વનવાસી શબ્દ પ્રયોગ કર્યો હતો.  

આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકા બારૈયાએ દાવો કર્યો હતો કે આ પ્રકારના શબ્દોથી આદિવાસીઓની લાગણી દુભાય છે. જ્યારે વધુ એક આદિવાસી ધારાસભ્ય અનિલ જોશીયારાએ અન્ય શબ્દપ્રયોગ બંધ કરીને ફક્ત આદિવાસી શબ્દ વાપરવા માગ કરી હતી. જોશીયારાના મતે વનવાસી શબ્દ ગેરબંધારણીય છે. તેનો સરળ અર્થ જંગલી એવો થાય છે જે જંગલમાં વસે છે. વનમાં રહેતા લોકો માટે આદિવાસી શબ્દ યોગ્ય છે. આદિવાસીનો અર્થ થાય છે એવા લોકો જે યુગોથી આ ધરતી પર રહે છે. કોંગ્રેસના ધારાસભ્યએ અન્ય શબ્દનો ઉપયોગ સરકાર ના કરે તેનો ઠરાવ કરવા માંગ કરી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ કહ્યું હતું કે, વનવાસી શબ્દ દ્વીઅર્થી છે, જો કોઈ બહારની વ્યક્તિ વનમાં આવીને રહેવા લાગે છે તો તે પણ પોતાને વનવાસી ગણાવશે. આવા લોકો પણ પોતાને આદિવાસી ગણાવશે અને મૂળ આદિવાસીઓના હકો પણ છીનવી શકે છે. આના જવાબમાં મંત્રી વસાવાએ જણાવ્યું કે ફક્ત જંગલમાં આવીને રહેવાથી કોઈ આદિવાસી નથી બની જતું. આ બાબત સુનિશ્ચિત કરવા કડક કાયદો છે. હકીકત એ છે કે કોંગ્રેસે ભૂતકાળમાં ક્યારેય આદિવાસીઓની દરકાર લીધી નથી.

(8:27 pm IST)