Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

પરિવારના ૩થી ૪ સભ્યો સંક્રમિત થયાના કેસ વધ્યા

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર : કોરોનાની પહેલી લહેર દરમિયાન એક પરિવારના કેટલાક સભ્યોને કોરોના થયો હોય તેવા ખૂબ ઓછા કેસ હતા

અમદાવાદ,તા.૨૦ : શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અનુપ ગુપ્તાને આ અઠવાડિયાની શરૂઆતમાં તેમની સાથે કામ કરતાં સહયોગીનો ફોન આવ્યો હતો, જેમણે જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેથી તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોએ સાવચેત રહેવું જોઈએ. 'મારામાં કોઈ લક્ષણો ન હોવાથી મેં ધ્યાન આપ્યું નહીં. પરંતુ બીજા જ દિવસે મારી પત્નીને તાવ આપ્યો. અમે બંનેએ ટેસ્ટ કરાવ્યો તો કોવિડ-૧૯ પોઝિટિવ નીકળ્યા, તેમ ગુપ્તાએ યાદ કરતાં કહ્યું હતું. બે દિવસ બાદ તેમનો ૧૨ વર્ષનો દીકરો અને ૯ વર્ષની દીકરી પણ પોઝિટિવ નીકળ્યા હતા. હાલ, તેઓ હોમ ક્વોરન્ટિન છે. શહેરના નિષ્ણાતો માટે ગુપ્તાના એકલાનો કેસ આવો નથી. હોસ્પિટલમાં સતત એવા કેસ વધી રહ્યા છે જ્યાં પરિવારના ઘણા સભ્યો સંક્રમિત થયા હોય.

વસ્ત્રાપુરમાં આવેલી ડીએચએસ હોસ્પિટલના ડિરેક્ટર ડો. હાર્દિક શાહે જણાવ્યું હતું કે, તેઓ દિવાળી બાદ આ ટ્રેન્ડના સાક્ષી રહ્યા હતા. કોરોનાની પહેલી લહેર દરમિયાન એક જ પરિવારના કેટલાક સભ્યોને કોરોના થયો હોય તેવા ખૂબ ઓછા કેસ હતા. પરંતુ નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેન્ડ બદલાયો હતો. હવે ફરીથી, એક પરિવારના ત્રણ-ચાર સભ્યો સંક્રમિત થવા લાગ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે, તેમ તેમણે કહ્યું. શહેરમાં રહેતા જીગ્નેશ દેસાઈ નામના પ્રોફેશનલને માર્ચના બીજા અઠવાડિયામાં શરદી, માથામા દુખાવો અને તાવ હતો. 'મેં વધારે રાહ જોઈ નહીં અને બીજા જ દિવસે ટેસ્ટ કરાવી લીધો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, મારી પત્ની, અમારી આઠ વર્ષની દીકરી અને મારા માતા-પિતા પણ સંક્રમિત થયા હતા.

મંગળવારે મારા મોટાભાઈને પણ કોરોના થયો, તેમ દેસાઈ કહ્યું હતું. આ સાથે તેમણે શહેરીજનોને અપીલ પણ કરી હતી કે, કોવિડ-૧૯ સાથે સંકળાયેલા લક્ષણોમાંથી એક પણ દેખાઈ તો તરત જ ટેસ્ટ કરાવી લો અને પોતાના લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સુરક્ષાના નિયમોનું પાલન કરો. બોપલ વિસ્તારની રહેવાસી આરોહી પટેલે જણાવ્યું હતું કે, એક જ બંગ્લામાં રહેતા તેના પરિવારના આઠ સભ્યો ચેપગ્રસ્ત છે. પરીવારના એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ અન્ય સભ્યોનો ટેસ્ટ કરાવતા જાણ થઈ કે, તેના માતા-પિતા, તેના બે ભાઈઓ અને તેમના પરિવારનો પણ ચેપ લાગ્યો હતો. તેમાથી કેટલાકમાં તો લક્ષણો પણ દેખાતા નહોતા. 'તેથી, ધ્યાન હવે સંક્રમિત વ્યક્તિઓના સંપર્ક ટ્રેસિંગ પર છે', તેમ એએમસીના અધિકારીએ જણાવ્યું હતું.

(8:25 pm IST)