Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

એસટી કર્મચારીનો દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

એસટીના કર્મચારીઓએ હદ વટાવી :વીડિયો ક્યા સ્થળનો તેની પુષ્ટી નહીં પરંતુ દારૂબંધીના કાયદા પર તમાચો મારતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરત,તા.૧૯ : સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં જાણે કે ક્રાંતિ આવી હોય એવો માહોલ છે. રોજ રોજ જાતજાતના અને ભાતભાતના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તંત્રની લાલિયાવાડીથી લઈને ભ્રષ્ટાચાર સુધીના આ વીડિયોમાં હવે લાઇવ દારૂ પાર્ટીઓનો ઉમેરો થયો છે. સુરતમાં એસટી વિભાગના કર્મચારીઓ ફરજના સ્થળે જ દારૂ પીતા હોવાનો એક લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો કેટલો જૂનો છે તેની કોઈ પુષ્ટી નથી થઈ પરંતુ સુરત એસટી ડિવિઝનના નામે વાયરલ થયેલા આ વીડિયોએ દારૂબંધીના લીરેલીરાં તો ઉડાવ્યો જ છે પરંતુ સરકારી તંત્રને તમાચો ફટકાર્યો છે. જોકે, સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે એસટી જેવી જવાબદારી વાળી ટ્રાન્સપોર્ટેશનના કર્મચારી દારૂનું સેવન કરીને બસ ચલાવે કે પછી ફરજ બજાવે ત્યારે મુસાફરોની સલામતીનું શું? આમ તો એસટીનું સૂત્ર છે 'સલામત સવારી, એસટી અમારી ત્યારે પ્રશ્ન ચોક્કસ થાય કે આવા કાંડ થાય તો જવાબદાર કોણ? આજે સુરતના એસટી વિભાગના એક કર્મચારીઓનો દારૂ પીતો વીડિયો વાઇરલ થતા વિવાદ સર્જાયો છે.

         જોકે સરકારી કર્મચારી પોતાની ફરજ પર દારૂ પીવે છે. એસટી કર્મચારી તરીકે ફરજ બજાવતા આ કર્મચારી જાહેરમાં દરરોજ દારૂ પીએ છે અને પોતે વીડિયોમાં બોલે છે કે દારૂની અડધી બોટલ આવતી કાલે ચાલશે. આ વીડિયો સુરત ડિવિઝનનો છે તેવી પુષ્ટી નથી કરતું પરંતુ કર્મચારીના ખભ્ભા પર જે પ્રકારે સ્ટાર જોવા મળે છે તે જોતા તેઓ એસટીના ચેકિંગ વિભાગમાંથી હોઈ શકે છે. જોકે, જે પ્રકારની આ ઘટના છે તેને વિભાગ સાથે કઈ ખાસ લેવાદેવા નથી. વીડિયો જૂનો હોય તો પણ આ પ્રકારની કાયદાની ઐસી તૈસી કરી અને જાહેરમાં સરકારી ફરજ દરમિયાન આ પ્રકારની અશિષ્તના કારણે વિવાદ વકર્યો છે. ત્યારે હવે એસટી વિભાગ આ મુદ્દે શું કાર્યવાહી કરી છે અને પોલીસ વિભાગ પણ દારૂબંધીના અમલીકરણમાં કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. આવા અનેક વીડિયો રાજ્યની કહેવાતી દારૂબંધીની ચાડી ખાય છે ત્યારે આ કાયદો ફક્ત કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.

(8:37 pm IST)