Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ભરૂચના ઉચેડીયા ગામ નજીક વિશ્વનો પ્રથમ દિવ્‍યાંગ વૃદ્ધાશ્રમ આકાર પામશેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ખાતમુહૂર્તઃ ધારાસભ્‍યો, પદ્મશ્રી કનુભાઇ ટેલર સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

દિવ્‍યાંગ વૃદ્ધાશ્રમમાં સ્‍વીમીંગ પુલ, ગેમ ઝોન સહિતની 49 જેટલી આધુનિક સુવિધા હશે

ભરૂચ: જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામ નજીક નિર્માણ પામનાર દેશના પ્રથમ દિવ્યાંગ વૃધ્ધાશ્રમનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગ વૃદ્ધો માટેનો રિસોર્ટ ભરૂચમાં નર્મદા નદી કિનારે ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર સામે સાડા 9 વીંઘામાં કરોડોના ખર્ચે આકાર લેવા જઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રકલ્પનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. પ્રસંગે ભરૂચ જિલ્લાના ધારાસભ્યો રિતેશ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, પદ્મશ્રી કનુ ટેલર, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ, ગુજરાત, દેશ અને દુનિયામાં વૃદ્ધો, અનાથ, ગરીબો માટે તો અનેક આશ્રમો આવેલા છે. પણ દિવ્યાંગ વૃદ્ધ માટે કોઈ વૃદ્ધાશ્રમ નથી. જેને રિસોર્ટ તરીકે આકાર આપી પ્રભુના ઘર તરીકે નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલર કરવાના છે. ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એવા પદ્મશ્રી કનુભાઈ ટેલર 200 દિવ્યાંગ વૃદ્ધ નિઃશુલ્ક રહી શકે તે માટે વિશ્વનો પહેલો દિવ્યાગ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યાં છે. જેમાં સ્વિમિંગ પુલ, ગેમ ઝોન, સહિતની 49 જેટલી આધુનિક સુવિધા અને સવલતો છે.

(6:29 pm IST)