Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાનો નૂતન અભિગમ : શાળામાં ભૂલકાઓના નખ કાપ્‍યા, સાથે મધ્‍યાહન ભોજન લીધુ : શિક્ષકોનું સન્‍માન

રાજકોટ તા. ૨૦ : રાજય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના કામરેજ વિધાનસભા મતવિસ્‍તારમાં સમાવિષ્ટ નનસાડ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત કરી, આ વેળાએ રાજય શિક્ષણમંત્રીશ્રી એ શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ અને વહીવટી કાર્યપદ્ધતિ તેમજ શાળા પરિવારની સ્‍વચ્‍છતા અને સફાઈ પ્રત્‍યે તત્‍પરતા સહિતની ઉત્તમ શિક્ષણલક્ષી કામગીરી જોઈને આનંદ વ્‍યક્‍ત કર્યો અને દેશના ઉજ્જવળ ભવિષ્‍યના ઘડવૈયા એવા ગુરૂજનોને શાલ ઓઢાડીને પ્રોત્‍સાહિત કર્યા હતા. શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાના નૂતન અભિગમને સમગ્ર શિક્ષણ સમાજે ખૂબ બીરદાવ્‍યો છે.

રાજયકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ નનસાડ પ્રાથમિક શાળા, માધ્‍યમિક શાળાના ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાની મુલાકાત લીધી. ગુજરાતના શિક્ષણમાં અંતરિયાળ ગામડામાં પણ  શિક્ષકો શ્રેષ્ઠ કર્તવ્‍ય  નિભાવી રહ્યા છે જે બદલ તમામ શાળાના શિક્ષકોને શાલ ઓઢાડી પ્રફુલ પાનસેરીયાએ સન્‍માન કર્યું હતું.

તેમણે પોતાને સન્‍માન માટે મળેલી શાલ શિક્ષકોને ઓઢાડીને શિક્ષકોનું વિશેષ સન્‍માન કર્યું. વર્ગખંડ મુલાકાત દરમિયાન વિષયવસ્‍તુમાં બાળકો સાથે ચર્ચા કરી હતી.  સ્‍વાસ્‍થ્‍ય બાબતે બાળકના નખ વર્ગખંડમાં જાતે કાપી આપ્‍યા હતા.  મધ્‍યાહન ભોજનની મુલાકાત કરીને બાળકો સાથે જાતે ભોજન લઈ જમ્‍યા હતા.

 તેઓની સાથે તાલુકા પંચાયત પ્રમુખ અજીતભાઈ આહીર, ટીપીઈઓ જયોતિબેન પટેલ, કારોબારી અધ્‍યક્ષ રસીકભાઈ પટેલ, કામરેજ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ બળવંતભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા

(5:04 pm IST)