Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સરકાર ૭ કરોડ પાઠયપુસ્‍તકો મફત આપશે : ર૦૦ ટ્રક ભરીને રવાના

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પરિણામની સાથે જ પુસ્‍તકોઃ ગણિત-વિજ્ઞાનના પુસ્‍તકો એક-દોઢ મહિના પછી મળશે

 

રાજકોટ, તા., ૨૦: રાજય સરકાર હેઠળના ગુજરાત પાઠયપુસ્‍તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક સત્રની તૈયારી ચાલી રહી છે.  નવી શિક્ષણ નીતિને અનુરૂપ પુસ્‍તકોનું પ્રકાશન થઇ રહયું છે. મંડળ દ્વારા ધોરણ ૧ થી ૧૨ના ૧૦ કરોડ પાઠયપુસ્‍તકો વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે આપવામાં આવશે. વિદ્યાર્થીઓને આપવા માટેના પુસ્‍તકોનું શાળાઓને વિતરણ શરૂ થઇ ગયું છે.

શિક્ષણ વિભાગના વર્તુળોના જણાવ્‍યા મુજબ ધોરણ ૧ થી ૧૨ની સરકારી તેમજ  ગ્રાન્‍ટેબલ અને મોડેલ  શાળાઓને સરકાર તરફથી વિનામૂલ્‍યે પુસ્‍તકો મળવા પાત્ર છે.  ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ આ પુસ્‍તકો ખરીદવાના હોય છે. રાઇટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા યુનિફોર્મ અને પુસ્‍તકો ખરીદવા માટે રૂા.૩૦૦૦ની સહાય આપવામાં આવે છે. ધોરણ ૧ થી ૧૨ના મુખ્‍ય વિષયોના ૭ કરોડ જેટલા પુસ્‍તકોનું વિતરણ કરવાનું થાય છે. ગાંધીનગરથી ૨૦૦ રૂટ પર પુસ્‍તકો મોકલાઇ ગયા છે. ૨૦૦ ટ્રક પુસ્‍તકો લઇ વિતરણના જે તે વિસ્‍તારમાં પહોંચી ગયા છે. હજુ ૪૦૦ જેટલા ટ્રક ભરીને પુસ્‍તકો મોકલવામાં આવશે.  પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પરિણામના દિવસે જ પુસ્‍તકો મળી જશે. આ વખતે નેશનલ કાઉન્‍સીલ ઓફ એજયુકેશન રીસર્ચ  એન્‍ડ ટ્રેનીંગ દ્વારા કેટલાક અભ્‍યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. ધોરણ ૬ થી ૧૨ માં ગણિત અને વિજ્ઞાનના અભ્‍યાસક્રમમાં થોડા મુદ્દા ઘટાડવામાં આવ્‍યા છે. નવી રૂપરેખા મુજબના પુસ્‍તકો છાપવાની કામગીરી  ચાલી રહી છે. આ બંન્ને વિષયના પુસ્‍તકોનું વિતરણ એક દોઢ મહિના પછી થશે. જુનમાં નવુ સત્ર થાય ત્‍યાં સુધીમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને મળવાપાત્ર બધા પુસ્‍તકો પહોંચાડી દેવા પાઠયપુસ્‍તક મંડળ કટીબધ્‍ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧ અને ર માં ૩-૩, ધોરણ ૩ અને ૪ માં ૪-૪, ધોરણ-પ માં પ, તથા ધોરણ ૬ થી ૮ માં ૮-૮ પુસ્‍તકો સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે અપાશે.

 

(4:21 pm IST)