Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ભરૂચ જિલ્લાના આમોદ ખાતેના પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપવાની બુમ ઉઠતા જિલ્લા પુરવઠા વિભાગનું ચેકીંગ

પેટ્રોલ અને ડીઝલના નમૂના લઈ ગાંધીનગર લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલાવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભરૂચ જિલ્લાના આમોદમાં આવેલા સૃહદમ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતું હોવાની બુમો ઉઠતા એક જાગૃત નાગરિકે આમોદ મામલતદારને એક મહિના પહેલા ફરિયાદ કરી હતી.જેથી ગત રોજ જિલ્લા પુરવઠા અધિકારી અને તોલમાપ અધિકારીએ તેમની ટીમ સાથે દરોડા પાડી પેટ્રોલ અને ડીઝલના નમૂના લેતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

  મળતી માહીતી મુજબ આમોદમાં આવેલા સૃહદમ પેટ્રોલ પંપ ઉપર ભેળસેળ વાળું તેમજ ઓછું પેટ્રોલ મળતું હોવાની બુમો ઉઠવા પામી હતી. જેથી આમોદના એક જાગૃત નાગરિક દ્વારા આમોદ મામલતદારને આ પેટ્રોલ પંપ વિરૂધ્ધ લેખિત ફરિયાદ કરતા જેના ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ તોલમાપ ખાતાના અધિકારીએ સયુંકત રીતે તેમની ટીમ સાથે આમોદ સૃહદમ પેટ્રોલ પંપ ઉપર રેડ કરી હતી. સાથે આમોદના પુરવઠા મામલતદાર અને સ્ટાફ પણ જોડાયો હતો.

  જિલ્લા પુરવઠા અધિકારીએ આ વિવાદિત પેટ્રોલ પંપનું ડીઝલ-પેટ્રોલના નમૂના લીધા હતા.સાથે તોલમાપ ખાતાના અધિકારીએ મશીન રીડર અને આંકડાની ચકાસણી કરી હતી જેથી પેટ્રોલ પુરાવવા આવતા ગ્રાહકોમાં પણ જિલ્લાના અધિકારીઓની અચાનક ચકાસણી બાબતે પ્રશંસા થઈ હતી.

 આમોદમાં સૃહદમ પેટ્રોલ પંપ પરથી લીધેલ ડીઝલ અને પેટ્રોલના નમૂના અલગ અલગ ડબ્બામાં સીલ કરી તેને ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામા આવશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
 અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં અગાઉ આજ પેટ્રોલ પંપ કમલ પેટ્રોલ પંપના નામથી ચાલતો હતો.પરંતુ આવા જ કારસ્તાનના કારણે એ સીલ કરવામાં આવ્યો હતો ત્યારે હાલમાં પણ આજ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતું હોવાની બુમો ઉઠી હોય તંત્ર સમયાંતરે ચકાસણી કરી ગ્રાહકો ની તરફેણ માં કામ કરે તેવી માંગ ઉઠી છે.

(8:14 pm IST)