Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

અમદાવાદમાં બીઆરટીએસ બસમાં અપડાઉન કરતી યુવતિ ઉપર દુષ્‍કર્મઃ બસ ડ્રાઇવર અને તેના મિત્ર સામે ફરિયાદ

અમદાવાદ: વધુ એક યુવતી સાથે બળાત્કારની ધટના સામે આવી છે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી અભ્યાસ માટે બીઆરટીએસ બસમાં અપડાઉન કરતી હતી. જ્યાં બસ ડ્રાઇવર સાથે તેને મિત્રતા થઇ અને BRTS બસ ડ્રાઇવરે તેનાં જ મિત્ર ધર્મેશ પરમારને યુવતી સાથેનાં ફોટા, વિડીઓ મોકલ્યા હતા. જેનાં આધારે ધર્મેશ પરમારે યુવતીને ફોટો વિડીયો મોકલીને ધમકીઓ આપીને દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ જયેશ પ્રજાપતિ નામનાં મિત્ર પાસે ફોન કરાવી પોતે સીટી ક્રાઇમ હેડ કોન્સટેબલ તરીકેની આપીને યુવતીની ફરિયાદ મળી હોવાનું જણાવી બ્લેક મેલ કરી હતી.

જેનાં આધારે યુવતી ધર્મેશ પરમાર નામનાં શખ્સનાં વશમાં આવી જતા તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હતુ.. આ મામલે કાગડાપીઠ પોલીસે BRTS બસ ડ્રાઇવર અને પોલીસની ઓળખ આપનાર બન્ને શખ્સોની ધરપકડ કરી હતી તેમજ મુખ્ય આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બીઆરટીએસ અને તંત્ર વારંવાર કોઇનાં કોઇ મુદ્દે સમાચારોમાં છવાયેલું જ રહી છે.હાલ તો આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોલેજ જતી આવતી મોટા ભાગનાં વિદ્યાર્થીઓ બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હાલ બીઆરટીએસની તરૂણીઓની સુરક્ષા સામે પણ સવાલ ઉઠે છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ પણ ખુબ જ સાવધાન રહેવાની જરૂર છે. કોઇ પણ પ્રકારની ઘટના બને અથવા અનિચ્છનીય બનાવ બને તો કોઇનાં દબાણમાં આવ્યા વગર પોલીસ અથવા પોતાનાં વાલીનો સંપર્ક કરવો જોઇએ. બીઆરટીએસમાં મુસાફરી કરતી યુવતીઓનાં વાલીઓ સામે પણ આ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય.

(6:08 pm IST)