Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટ્રમ્પના કાર્યક્રમ માટે એસ.ટી.ની ર૧૫૦ બસનો ઉપયોગઃ લાકડી, કાળા શર્ટ, બેગ, દુપટ્ટા, મફલર સાથે પ્રવેશ નહિ

અનેક રૂટની બસ બે દિ' બંધ રહેતા મુસાફરો રઝળી પડશે

રાજકોટ, તા., ર૦: અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદની મુલાકાતે આવી રહયા છે. તેના સ્ટેડીયમના કાર્યક્રમમાં રાજયભરમાંથી લોકોને લાવવા માટે સરકારી ખર્ચે ર૧પ૦ જેટલી એસ ટી બસ ફાળવવામાં આવી છે. એસ ટી નીગમ પાસે ૮૫૦૦ જેટલી બસ છે તે પૈકી સરકાર ર૧પ૦ જેટલી બસ ઉપયોગમાં લેશે એટલે કે કુલ સંખ્યાની ચોથા ભાગની બસ એક જ કાર્યક્રમ માટે રોકાઇ જશે. લાંબા અંતરે લોકોને લેવા-જવા માટે આગલા દિવસે બપોરથી જ બસ રવાના કરી દવામાં આવશે. ર૧પ૦ જેટલી બસોના રૂટ દોઢ-બે દિવસ બંધ રહેશે. તેના કારણે સેંકડો મુસાફરો રઝળી પડશે.

ટ્રમ્પના કાર્યક્રમ માટે ડ્રાઇવર, કંડકટર ઉપરાંત સુપરવાઇઝર ફાળવવામાં આવ્યા છે. બસમાં લોકોને ફુટ પેકેટ અપાશે. વૃધ્ધો, બિમાર, સગર્ભા, દિવ્યાંગો વગેરેને બસમાં નહી લાવવા જણાવાયું છે. કાર્યક્રમમાં બેગ, ખાદ્યપદાર્થ, લાકડી, સામાન, તમાકુ, ધુમ્રપાનની વસ્તુઓ લાવવાની મનાઇ છે. કાળા રંગના શર્ટ, દુપટ્ટો, મફલર, વગેરે સાથે પ્રવેશ મળશે નહી. બસ ખાલી કે અડધી ભરેલી ન આવે તેની કાળજી રાખવા જણાવાયું છે. તમામ બસમાં જીપીએસ લગાવાશે. કાર્યક્રમ સ્થળે નિયત પ્રવેશદ્વાર પરથી પ્રવેશ મળશે. મોબાઇલ સિવાય અન્ય કોઇ વસ્તુ લઇ જવા દેવામાં આવશે નહી. બસમાંથી ઉતરેલા આમંત્રીતોની યાદી પાર્કીગમાં હેલ્પ ડેસ્ક પર આપવાની રહેશે.

(4:03 pm IST)