Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

એસટીમાં ગૌમાંસની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઈ ગઇ

બનાવને પગલે સમગ્ર પંથકમાં આક્રોશની લાગણી : ધોરાજીથી રાજકોટ આવતી એસટીમાં સાત થેલામાં ૧૦૦ કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો લઇ મહિલાઓ જતી હતી

અમદાવાદ,તા. ૨૦ : રાજકોટ જિલ્લાના ગોંડલના ભરૂડી ટોલટેક્સ પાસે બે એસ.ટી બસમાંથી ગૌમાંસના જથ્થા સાથે બે મહિલા રંગેહાથ ઝડપાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે બંને આરોપી મહિલાની ધરપકડ કરી લીધી હતી. બંને મહિલાઓ પાસેથી સાત થેલા ભરીને ગૌ માંસ પકડાતાં સમગ્ર પંથકમાં જોરદાર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી અને બંને મહિલા અને આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તમામ લોકો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી ઉઠવા પામી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એસ.ટી.બસમાં ધોરાજીથી ગૌમાંસ રાજકોટ વેચવા માટે લઈ જવાતું હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી. જેના આધારે ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખી ભરૂડી ટોલટેક્સ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બે મહિલાઓ પાસેથી અંદાજીત ૧૦૦થી વધુ કિલોનો ગૌમાંસનો જથ્થો ઝડપાયો હતો. ધોરાજીથી રાજકોટ આવી રહેલી એસટી બસમાં રાજકોટના મોરબી રોડ પર રાંદરડા વિસ્તારમાં રહેતી ઝરીના કરીમ બાવનકાએ ધોરાજીના ઈસ્લામ લોઢી પાસેથી ગૌમાંસની ખરીદી કરી હતી. જ્યારે મોરબી રોડ પર આવેલી શાળા નં.૭૭ પાસે રહેતી બેબી હારૂન ખોરાણીએ  ઈકબાલ ઉર્ફે ટોપા પાસેથી ગૌમાંસની ખરીદી કરી હતી અને આ બંને મહિલા ગૌમાંસને રાજકોટ લઈને જઈ રહી હતી. ત્યારે આ બન્ને મહિલાઓને ગૌમંડળ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ગોવર્ધનભાઈ પરડવા, મિલનભાઈ સોલંકી, અશ્વિનભાઈ સોલંકી અને રસિકભાઈ ટિલાળા સહિત ગૌસેવકોએ ઝડપી લીધી હતી. આ બન્ને મહિલા પાસેથી ગૌમાંસ ભરેલા પાંચથી સાત થેલા જપ્ત કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી બંને મહિલાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આ સમગ્ર બનાવને પગલે સ્થાનિક લોકોમાં અને સમગ્ર પંથકમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોમાં આ બંને મહિલા અને આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તમામ લોકો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવાની જોરદાર માંગણી ઉઠવા પામી છે.

(9:25 pm IST)