Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

રાજયની ૭ હજારથી વધુ એસટીના પૈડા થંભી જશે

એસટીના ૪૫ હજારથી વધુ કર્મી હડતાળમાં જોડાશે : રાજયના લાખો મુસાફરો રઝળી પડશે : તંત્ર દ્વારા મિટિંગ યોજી સમાધાનના પ્રયાસની દિશામાં ચક્રોગતિમાન કરાયા

અમદાવાદ,તા.૨૦ : એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી વધુ એસટી બસનાં પૈડાં થંભી જશે. અમદાવાદ સહિત મોટા ભાગના ડિવિઝનના કર્મચારીઓએ રજાના રિપોર્ટ મૂકી દીધા છે. બીજીબાજુ, એસટી બસની હડતાળને લઇ રાજયભરના મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવશે. જો કે, તંત્ર દ્વારા હજુ સુધી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. એસટી નિગમના કર્મચારીઓની આજે મધરાતથી હડતાળને લઇ આજે રાત્રીની મુસાફરી કરનારા મુસાફરો અને યાત્રિકોને હડતાળને લઇ સાવધાની રાખવા અને શકય હોય તો મુસાફરી ટાળવા અનુરોધ કરાયો છે. એસટી નિગમ કર્મચારી યુનિયન દ્વારા સાતમા પગારપંચ સહિતના મુદ્દે કરાયેલી માગણી જો નહીં સંતોષાય તો જડબેસલાક હડતાળ પાડવા માટે આદેશ આપી દેવાયો છે, જેના કારણે અમદાવાદ સહિત રાજયભરના હજારો મુસાફરો રઝળી પડશે. એકસાથે હજારો એસટી બસનાં પૈડાં થંભી જશે તો રાજ્યભરના લાખો મુસાફરો કફોડી અને હાલાકીભરી સ્થિતમાં મૂકાઇ જશે, તેને લઇ તંત્ર પણ ચિંતાતુર બન્યું છે પરંતુ કર્મચારીઓની લડતને લઇ અત્યારસુધી કોઇ સમાધાનકારી રસ્તો શોધવામાં નિષ્ફળ રહ્યું છે. મોડી રાત સુધી બેઠક યોજાય અને કોઇ ડેવલપમેન્ટ થાય તેવી આશા સેવાઇ રહી છે. દરમ્યાન આ અંગે રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલે જણાવ્યું હતું કે એસટી કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું સરકારે નિરાકરણ નહીં લાવતાં મજૂર મહાજન સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, એસટી કર્મચારી મંડળ, ઇન્ટુક અને ભારતીય મજદૂર સંઘ થકી બનેલી સંકલન સમિતિ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ આંદોલનમાં રાજ્યભરના ૪પ હજાર કર્મચારીઓ જોડાઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાંથી ૯ર ટકા કર્મચારીઓએ માસ સીએલ મૂકી દીધી છે. આ અંગે એસટી સચિવ હાર્દિકભાઈ સગરે જણાવ્યું હતંુ કે, આજે રાતે બાર વાગ્યાથી હડતાળ શરૂ થશે. ડ્રાઈવર, કંડકટર હડતાળ પર હોવાથી જો આ હડતાળ સુખદ અંત નહીં આવે તો પ્રવાસીઓએ ખાનગી વાહન વ્યવસ્થાનો આશરો લેવો પડશે. એસટી કર્મચારીનાં યુનિયન દ્વારા તાત્કાલિક માગણી પૂરી કરવામાં નહિ આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે અને જ્યાં સુધી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

(9:21 pm IST)