Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સીઆરપીએફના જવાનો ઉપર હુમલો નિંદનીય : જાવેદ હબીબ

પાક વડાપ્રધાનના નિવેદનને પણ વાહિયાત ગણાવ્યું : જાણીતા હેર સ્ટાઇલીસ્ટ જાવેદ હબીબ શહેરની મુલાકાતે યંગસ્ટર્સને વાળની માવજત-ગ્રોથ અંગે ઘણી ટિપ્સ આપી

અમદાવાદ, તા.૨૦ : બોલીવુડની અનેક ફિલ્મી હસ્તીઓના વાળની હેર સ્ટાઇલથી માંડી વાળની માવજત અને સારસંભાળ કરનાર જાણીતા હેર સ્ટાઇલીસ્ટ અને નિષ્ણાત જાવેદ હબીબ આજે અમદાવાદ શહેરની મુલાકાતે આવ્યા હતા. શહેરના મોટેરા રોડ પર જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત જનતાને ખાસ કરીને યંગસ્ટર્સને વાળની માવજત અને ગ્રોથ અંગેની મહત્વની અને ઉપયોગી ટિપ્સ પણ આપી હતી. એ દરમ્યાન સીઆરપીએફ જવાનો પર આત્મઘાતી હુમલાને લઇ જાવેદ હબીબે ઘેરા શોકની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, જે કંઇ પણ થયું છે ખોટું થયું છે અને તે અતિશય નિંદનીય અને વખોડવાને પાત્ર ઘટના છે. મારી પાસે આ દર્દ બયાન કરવાના શબ્દો નથી. ભારતીય જવાનો પરના આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાનની સંડોવણી સામે આવતાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા કરાયેલા બચાવ અંગે પણ આ હેર સ્ટાઇલના બેતાજ બાદશાહ એવા જાવેદ હબીબે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાનનો બચાવ અને નિવેદન વાહિયાત અને અસ્થાને છે. દરમ્યાન વાળના વિષય નિષ્ણાત અને તજજ્ઞ એવા જાવેદ હબીબે જણાવ્યું કે, અમદાવાદ એક જીવંત અને ઝડપથી વિકસતું શહેર છે ત્યારે લોકો ફેશન પ્રત્યે વધુ સભાન બન્યાં છે ત્યારે ગ્રુમિંગની માગમાં પણ નોંધપાત્ર વધારો જાવા મળ્યો છે. આનાથી કુશળ માનવશક્તિની જરૂરિયાત ઉપર દબાણ સર્જાયું છે. આ સ્થિતિમાં અમદાવાદને વધુ હેર અને બ્યુટી સલૂનની જરૂર છે. જાવેદ હબીબ બેર એન્ડ બ્યુટી લિમિટેડ એ શહેરીજનોની ડિમાન્ડ અને જરૂરિયાતને સંતોષશે તેવી આશા વ્યકત કરતાં જણાવ્યું હતું કે,  લોકોનું માનવું છે કે દરરોજ વાળમાં તેલ નાખવાથી વાળ વધુ તંદુરસ્ત બને છે, પરંતુ હકીકતમાં વાળની વૃદ્ધિ અને તેલ સાથે કોઇ સંબંધ નથી. વિશેષ કરીને ભારતમાં કે જ્યાં વાળ કુદરતી રીતે લોકોના વાળ ગાઢ છે તેમજ જે લોકો લાંબા સમયથી હેર ઓઇલનો ઉપયોગ કરે છે તેમનું માનવું છે કે આનાથી તેમના વાળની વૃદ્ધિ અને તંદુરસ્તી જાળવવામાં મદદ મળી રહેશે. ઓઇલ દ્વારા વાળની ઘનતામાં ઘટાડો કરી શકાય છે, જે હેર રિબોન્ડિંગ અને હેર સીરમના ઉપયોગથી પણ કરવું શક્ય છે. આથી શેમ્પૂ કરતાં પહેલાં વ્યક્તિ કન્ડીશનર અથવા ૧૦ મીનીટ માટે તેલ નાખી શકે છે. જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી લિમિટેડ દેશભરમાં ૨૪ રાજ્યોમાં ૧૧૦ શહેરોમાં ૭૫૦થી વધુ આઉટલેટ્સનું સંચાલન કરે છે. તેઓ આગામી ત્રણ વર્ષમાં ૧૦૦૦ સલુન ખોલવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ માત્ર સલૂન નથી પરંતુ તાલીમ અને નિપુણતાનો સમન્વય છે, જે લોકોને વાળ અને હેર સ્ટાઇલ સહિતના તમામ પ્રશ્નોનું સમાધાનકારી અને સંતોષજનક નિરાકરણ આપે છે.

 

 

(9:19 pm IST)