Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

પાલનપુરમાં બીએસએનએલના કર્મીઓ ત્રણ દિ'ની હડતાલ પર ઉતર્યા : ખાનગીકરણ રોકવાની માંગ

પાલનપુર :કેન્દ્ર સરકાર દ્વારા ભારત સંચાર નિગમનું ખાનગીકરણ કરી તેને જીઓ કંપનીને સોંપી દેવાની કથિત હિલચાલ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પગારની વિસંગતતા સહિતની માંગણીઓ સાથે બીએસએનએલના કર્મચારીઓ દ્વારા વિરોધ જતાવવામાં આવી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે ભારત સંચાર નિગમના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ ઉપર ઉતરી ગયા હતા.

   કેન્દ્ર સરકાર દ્વારા ભારત સંચાર નિગમને જીઓ સાથે જોડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેનો બીએસએનલના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે પાલનપુર સ્થિત બીએસએનએલ કચેરીના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ જાહેર કરી હતી.

   કચેરી આગળ એકત્ર થયેલા કર્મચારીઓએ બીએસએનએલ બચાવો દેશ બચાવોના સૂત્રોચ્ચાર કરતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. ત્રણ દિવસ ચાલનારી આ હડતાલમાં મોઘજીભાઇ કોરોટ, એ. વાય, ઘોરી, એન. જે. ગઢવી, પી. એચ. ચૌહાણ, એન.એ.પંચાલ સહીત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.

 

(12:16 pm IST)