Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ધોરણ ૧-૧૨ના ૨૨૯ પુસ્તકો જૂનથી નવા : ભાષાંતર પ્રક્રિયા

મોટાભાગનો એનસીઇઆરટીનો કોર્સ લાગુ કરાશે : નેશનલ પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પાછળ ન રહે તે હેતુસર મહત્વપૂર્ણ નિર્ણય : ભુલને ટાળવા ખાસ કાળજી

અમદાવાદ,તા.૧૯ : ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો. ૧થી ૧૨ના ૨૨૯ જેટલા પાઠ્ય પુસ્તકો આગામી જુન-૨૦૧૯થી બદલશે. શિક્ષણ વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં મોટાભાગનો કોર્સ એનસીઇઆરટીનો લાગુ કરવામાં આવશે. હાલ શિક્ષકો દ્વારા પુસ્તકોના  ભાષાંતરની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં કોઇપણ પ્રકારની ભૂલ કે ક્ષતિ ના રહી જાય તે માટેની ખાસ કાળજી લેવાઇ રહી છે. ધોરણ- ૧થી ૧૨ના મરાઠી, ઉર્દુ, હિન્દી અને સંસ્કૃત માધ્યમના પાઠ્યપુસ્તકો બદલાઇ જશે. ગુજરાતી માધ્યમમાં ધો.૯થી ૧૨ અને ધોરણ- ૨,૪ અને ૬ના મળીને કુલ ૩૭ પુસ્તકો અને અંગ્રેજી માધ્યમના ધો.૧થી ૧૨ના ૫૪ જેટલા પાઠ્યપુસ્તકો હાલમાં તૈયાર થઈ ચૂક્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી પરીક્ષાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ નબળા પડતાં હોવાથી એનસીઇઆરટીનો પાઠ્યક્રમ લાગુ કરાશે. તો, ગુજરાતી, ઉર્દુ, મરાઠી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી તમામ માધ્યમ મળીને કુલ ૨૨૯ જેટલા પાઠ્યપુસ્તકો નવા આવશે.  ગુજરાતની સ્કૂલોમાં એનસીઈઆરટીનો અભ્યાસક્રમ ક્રમશઃ લાગુ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આગામી વર્ષ-૨૦૧૯ના નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ.૧થી ૧૨ના તમામ માધ્યમોમાં ૨૨૯ જેટલી ચોપડીઓ બદલાશે તેવુ શિક્ષણ બોર્ડના સુત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતી માધ્યમમા ધોરણ.૯થી ૧૨ અને ધોરણ.૨, ૪, અને ૬ના મળીને કુલ ૩૭ પુસ્તકો બદલાશે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ.૧થી ૧૨ના ૫૪ જેટલા પાઠયપુસ્તકો નવા લાગુ કરાશે. નેશનલ લેવલે લેવાતી પરીક્ષાઓનો અભ્યાસક્રમ એનસીઈઆરટીના પાઠયપુસ્તકોમાંથી જ પસંદ કરવામાં આવતો હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. કારણ કે, ગુજરાત બોર્ડ અને એનસીઆરટીના અભ્યાસક્રમમાં ફેરફાર છે. જેને પગલે ગુજરાત બોર્ડમાં પણ એનસીઆરટીના પુસ્તકો ભણાવવા માટે નિર્ણય લેવાયો હતો. જેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, ઉર્દુ, મરાઠી અને સંસ્કૃત માધ્યમના મળીને કુલ ૨૨૯ પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અંગ્રેજી માધ્યમમાં ૫૪ પુસ્તકો, હિન્દી માધ્યમમાં ૬૬, ગુજરાતી માધ્યમમાં ૩૭, ઉર્દુ માધ્યમમાં ૨૩, મરાઠી માધ્યમના ૨૧ તથા સંસ્કૃત માધ્યમના ૨૩ પુસ્તકો બદલાશે. ઉલ્લેખનીય છે કે, ગણિત વિજ્ઞાન, બાયોલાજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, સામાજીક વિજ્ઞાન, પર્યાવરણ સહિતના મોટાભાગની વિષયોની ચોપડી સીધી એનસીઈઆરટીની ભાષાંતર કરીને અમલ કરવામાં આવી છે. રાજયના શિક્ષણ વિભાગે પ્રથમ તો તમામ પુસ્તકો શિક્ષકો પાસે લખાવવાનો નિર્ણય કર્યો હતો, જેમાં રાજ્યના વિવિધ વિષયના શિક્ષકોની પરીક્ષા લેવામાં આવી હતી અને તેના આધારે વિષય નિષ્ણાંત શિક્ષકોની પસંદગી પણ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં એનસીઈઆરટીના પુસ્તકોનુ સિધુ ભાષાંતર કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે હવે આગામી જૂન માસ સુધીમાં આ નવા અને ફેરફારવાળા પુસ્તકો લાગુ કરી દેવાય તે પ્રકારની દિશામાં તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.

 

 

(9:40 pm IST)