Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીનું પ્રચાર પૂરજોશમાં

વકીલોની સમસ્યાઓ તેમને મળીને જાણી રહ્યા છેઃ બાર કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન કેલ્લા વકીલોના પ્રશ્નો જાણવા રૂબરૂ પહોંચે છે : કેલ્લાને જન્મદિવસની શુભેચ્છા

અમદાવાદ,તા. ૨૦ : ગુજરાત બાર કાઉન્સીલની આગામી મહિને યોજાનારી બહુ મહત્વની ચૂંટણીને લઇ ઉમેદવારો દ્વારા પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વકીલો માટે હરહંમેશ કાર્યરત અને તેમના કલ્યાણ માટે અનેક કાર્યો કરનારા ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લા વકીલોના પ્રશ્નો અને સમસ્યાઓ જાણવા ખુદ રૂબરૂ જિલ્લા-તાલુકા મથકોએ પહોંચી રહ્યા છે. નોંધનીય છે કે, આવતીકાલે બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લાનો જન્મદિન હોઇ રાજયના વકીલઆલમ સહિત કાયદાજગતના મહાનુભાવોએ કેલ્લાને હાર્દિક શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી હતી. શ્રી અનિલ કેલ્લાએ તેમના જન્મદિન ઉપલક્ષ્યમાં પરિવારજનો સાથે દેવદર્શન કરી વકીલઆલમ માટે વધુ ને વધુ સેવા કાર્ય કરવાનો અનોખો સંકલ્પ વ્યકત કર્યો હતો. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ વકીલ ઉમેદવારો પોતપોતાની  રીતે પ્રચારકાર્ય કરી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યા છે. નમ્ર સ્વભાવના અને સદાય બીજાની સેવા માટે તત્પર રહેતા અનિલ કેલ્લા વકીલઆલમ માટે વર્ષોથી કલ્યાણકારી કાર્ય કરતા આવ્યા છે. બાર કાઉન્સીલના ચેરમેનપદના પોતાના કાર્યકાળ દરમ્યાન વકીલો માટે ઘણા લાભકારી નિર્ણયો તેમણે લીધા હતા. વકીલઆલમની સમસ્યાઓ અને પ્રશ્નો જાણવા માટે શ્રી કેલ્લા હાલ રાજયના વિવિધ જિલ્લા-તાલુકા મથકોએ પહોંચી વકીલોને રૂબરૂ મળી રહ્યા છે. નાનામાં નાના વકીલથી લઇ ટોચના વકીલો કે અગ્રણીઓને મળી તેમની રજૂઆત કે પડતર માંગણીઓ સાંભળી તેના નિરાકરણ માટે તેઓને આશ્વસ્થ કરી રહ્યા છે.

વકીલઆલમ માટે જીવનમાં વધુ ને વધુ કલ્યાણકારી કાર્ય કરતો રહું એ જ મારો સંકલ્પ છે એમ બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લાએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વકીલોના પ્રશ્નો માટે કેલ્લા હરહંમેશ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાથી માંડી સરકારના સત્તાવાળાઓ સમક્ષ અસરકારક રજૂઆતો કરતા આવ્યા છે.

(10:30 pm IST)