Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વિદેશી દારુ પર આબકારી જકાતમાં જંગી વધારો થયો

ટ્રાન્સપોર્ટેશન ફીમાં પણ વધારો ઝીંકી દેવાયોઃ દારુબંધીની નીતિને કડક રીતે અમલી કરવા કટિબદ્ધતા

અમદાવાદ,તા. ૨૦ : નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાત માટેનું બજેટ રજૂ કર્યું હતું જેમાં વિદેશી દારુ પરના આબકારી જકાત તથા ફીના હાલના દરોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નવી કરવામાં આવેલી જાહેરાત મુજબ સ્પિરીટના હાલના દર એક પ્રુફલીટરના ૧૦૦ રૂપિયા છે જેના બદલે હવે એક પ્રુફલીટરના ૩૦૦ રૂપિયા રહેશે. આવી જ રીતે બિયરના હાલના એક પ્રુફલીટરના ૨૫ રૂપિયા છે આની સામે સ્ટ્રોંગ બિયર એક બલ્ક લીટરના ૬૦ રૂપિયા, માઇલ્ડ બિયર એક બલ્કલીટરના ૩૩ રૂપિયા રહેશે. આવી જ રીતે વાઇન એક પ્રુફલીટરના ૧૦૦ હાલમાં છે જે હવે એક પ્રુફલીટરના ૩૦૦ રૂપિયા રહેશે. ગુજરાત રાજ્ય નશાબંધીની નીતિને વરેલુ રાજ્ય છે અને રાજ્યની સ્થાપના કાળથી જ આ નીતિ અમલી છે. રાજ્યમાં નશાબંધી અધિનિયમ ૧૯૪૯ હેઠળ રાજ્યમાં નશાબંધી નીતિનો અમલ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્ય નશાબંધી નીતિને વરેલુ હોવા છતાં રાજ્યના પરમિટ ધારકોને, પ્રવાસીઓને, ટ્યુરિસ્ટોને વિદેશી દારુ સેવન કરવાની પરવાનગી આપવામાં આવી છે. આના માટે રાજ્યમાં આયાત થતાં વિદેશી દારુ પર આબકારી જકાત અને અન્ય ફી વસુલ કરવામાં આવે છે જેમાંથી રાજ્યને વેરાકીય આવક મળે છે. વિદેશી દારુ પરના આબકારી જકાત દરોમાં તેમજ અન્ય ફીમાં ૧૯૯૯-૨૦૦૦ બાદ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં ફેરફાર કરવામાં આવ્યો અને વધારો કરાયો છે. ટ્રાન્સપોર્ટેશન ફી અને સ્પેશિયલ ફીની વાત કરવામાં આવે તો સ્પિરીટની ટ્રાન્સપોર્ટેશન ફી હાલ એક બલ્કલીટરના બે રૂપિયા છે જે હવે વધીને ૧૦ રૂપિયા થશે. વાઈન, બિયરના હાલના દર ક્રમશઃ ૧ બલ્કલીટરના એક રૂપિયા અને ૦.૫૦ રૂપિયા છે જે હવે એક બલ્કલીટરના પાંચ રૂપિયા થશે. આનો મતલબ એ થયો કે તીવ્ર વધારો ઝીંકવામાં આવ્યો છે.

(10:29 pm IST)