Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: સેકશન અધિકારીના બંધ મકાનમાંથી 93 હજારના દાગીનાની ઉઠાંતરી

ગાંધીનગર: શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે શહેરના સેક્ટર-૩/સીનો પરિવાર મકાન બંધ કરીને લગ્નમાં ગયો હતો તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડીને મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી ૯૩ હજારની મત્તા ચોરી લીધી હતી. પાડોશીએ આ ઘટના અંગે જાણ કરતાં પરિવાર ઘરે પહોંચ્યો હતો અને આ સંદર્ભે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં આમ તો શિયાળા દરમિયાન ઘરફોડ ચોરીનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તસ્કરો શહેરમાં સક્રીય થયાં છે અને દિવસે અને રાત્રીના સમયે બંધ મકાનના તાળા તોડીને લાખો રૃપિયાની મત્તા ચોરવામાં સફળ થઇ રહ્યાં છે. ત્યારે શહેરના સેક્ટર-૩/સી પ્લોટ નં.૬૦૫/૨માંરહેતા અને સચિવાલયમાં ઉદ્યોગ અને ખાણ વિભાગમાં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતાં મનસુખભાઇ મફાભાઇ પાલોદરા ગત શનિવારે તેમનું મકાન બંધ કરીને તેમના પરિવાર સાથે ચાણસ્માના ધાણોધરડા ખાતે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું તાળું તોડીને મકાનમાં પ્રવેશેલા તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૯૩ હજારની મત્તા ચોરીને પલાયન થઇ ગયા હતા. તેમની પાડોશમાં રહેતા પરિવારે તેમનું મકાન ખુલ્લુ જોયું હતું તેમજ આ ઘટના અંગે તેમને જાણ કરતાં તુરંત જ ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતાં મકાનમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું.

(6:33 pm IST)