Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સામરખા ચોકડી નજીક પુરપાટ ઝડપે જતી કારની હડફેટે રોડ ક્રોસ કરતી વૃદ્ધાનું મોત

આણંદ:નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલી સામરખા ચોકડી પાસે ગઈકાલ રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક કારે રોડ ક્રોસ કરતી એક વૃદ્ઘાને ટક્કર મારતાં તેણીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. પરિવારજનોમાં લગ્નનો આનંદ ઘડીભરમાં શોકમાં પલ્ટાઈ જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર સદાનાપુરા ખાતે રહેતા હરીશભાઈ મનુભાઈ પટેલના સંબંધીનું ગઈકાલે સામરખા ચોકડી પાસે આવેલા મીલન પાર્ટી પ્લોટમાં લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં ભાગ લેવા માટે પરિવાર સાથે આવ્યા હતા. રાત્રીના આઠેક વાગ્યાના સુમારે જમીને પરત જવા માટે નીકળ્યા હતા. હરીશભાઈ રોડ ક્રોસ કરીને સામેની સાઈડે રીક્ષા ઉભી રખાવવા ગયા હતા. દરમ્યાન તેમના બા મંજુલાબેન (ઉ. વ. ૭૬)રોડ ક્રોસ કરતા હતા ત્યારે અમદાવદા તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલી અજાણી કારે ટક્કર મારતાં માથામાં, મોઢામાં તેમજ હાથે-પગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. ટક્કર મારીને કાર ફરાર થઈ ગઈ હતી. ઘટનાની જાણ આણંદ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી ચઢી હતી અને મરણ જનાર વૃદ્ઘાના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ અંગે હરીશભાઈની ફરિયાદને આધારે પોલીસે અજાણી કાર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(6:28 pm IST)